સુરત: (Surat) દિવાળીના સમયે ચોરે (Thief) પીપલોદ ખાતે આવેલા સેન્ટ્રલ મોલમાંથી (Central Mall) રાત્રે અલગ અલગ સ્ટોરમાંથી મોંઘીદાટ ઘડિયાળ, કપડાં, બ્રાન્ડેડ શૂઝ સહિત 2.73 લાખનો મુદ્દામાલ ચોરી લીધો હતો. ચોરી કરતી વખતે ચોરે પોતે પહેરેલા કપડા મોલમાં જ કાઢી નાખ્યાં હતાં અને બાદમાં બ્રાન્ડેડ કપડાં (Branded cloths) પહેરી લીધા હતા. ઉતાવળમાં પોતે પહેરેલા કપડામાંથી સામાન કાઢવાનું ભૂલી ગયો હતો. તેના કપડામાંથી આઈકાર્ડ મળ્યો હતો. આઈકાર્ડ કોઈ સિક્યુરિટી એજન્સીનું હોવાનું જાણવા મળ્યું છે.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સિટીલાઈટ ખાતે મેઘનાપાર્ક સોસાયટીમાં રહેતો રાહુલભાઇ કિશોરભાઇ શિતપુરે સેન્ટ્રલ મોલમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી. પીપલોદ ખાતે સેન્ટ્રલ મોલમાં ગઈકાલે રાત્રે અજાણ્યો પાછળના ભાગનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યો હતો. બાદમાં મોલમાં અલગ અલગ સ્ટોરમાંથી બ્રાન્ડેડ ઘડિયાળ, કપડાં, શૂઝ, સપોર્ટ શૂઝ, જેકેટ, બ્લેઝર, વિન્ટર વેર સહિતનો બ્રાન્ડેડ માલ મળી કુલ 2.73 લાખની ચોરી કરી ગયો હતો. ચોરની તમામ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. સેન્ટ્રલ મોલના ઓપરેશન મેનેજરે સ્ટોર ખોલતા તેઓને ચોરીની જાણ થઇ હતી. જેથી આ મામલે તેઓએ સ્ટોર મેનેજર નિકુંજભાઈ શાહને જાણ કરવાની સાથે મોલના વહિવટકર્તાઓ જાણ કરી હતી. ઉમરા પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.
ચાવી બનાવવા આવેલો સરદારજી કબાટમાંથી રૂ 1.15 લાખ ચોરી ગયો
સુરતઃ શહેરના સગરામપુરા વિસ્તારમાં ચાવી બનાવવા આવેલા સરદારજીએ કબાટમાંથી નજર ચુકવી રોકડા 1.15 લાખ ચોરી ગયો હતો. અઠવા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. સગરામપુરા ખાતે મોટી લાલવાડી મહોલ્લામાં રહેતા 47 વર્ષીય રમેશભાઈ હિમતલાલ દસ્તણી ઘરે કપડા પ્રેસ કરવાનું કામ કરે છે. ગત 31 ઓક્ટોબરે તેમના ઘરે એક અજાણ્યો સરદારજી ચાવી બનાવવી છે. તેવી બુમ પાડી ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે રમેશભાઈના ઘરે બે કબાટમાંથી એક કબાટનું લોક બગડેલું હોવાથી સરદારજીને ઘરે બોલાવી કબાટની ચાવીઓ આપી હતી. બાજુના કબાટના લોકની ચાવી માંગી તેનાથી લોક ખોલવા પ્રયાસ કરતા ચાવી વાંકી વળી ગઈ હતી. જેથી રમેશભાઈએ તે ચાવી સીધી કરી આપવા કહ્યું હતું. બાદમાં લોકની ચાવી સીધી કરી સરદારજીએ રમેશભાઈના દિકરાને સળીયો ગરમ કરવા નીચે મોકલ્યો હતો. બાદમાં લોક સરખું કરીને સરદારજી ત્યાંથી નીકળી ગયો અને પંદર મિનિટ પછી કબાટનું લોક ખોલજો તેમ કહી ગયો હતો. બાદમાં કબાટ ખોલીને જોતા કબાટમાં મુકેલા 1.15 લાખ રૂપિયા ગાયબ હતા. રમેશભાઈએ અઠવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.