SURAT

સુરતમાં ઓમિક્રોનની દહેશતને પગલે તંત્રએ આ બે મહત્વની ઉજવણીઓ રદ્દ કરી દીધી

સુરત: (Surat) શહેરના ઐતિહાસિક ગોપી તળાવમાં છેલ્લાં પાંચ વર્ષથી સતત નાતાલ દરમિયાન ગોપી કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે શહેરમાં આ વર્ષે પણ ઘણાં આયોજનો, જાહેર તહેવારોની ઉજવણી અને કાર્યક્રમો (Celebrations and events) પડતા મુકાઈ રહ્યા છે. શહેરમાં હજી પણ કોરોનાનું સંક્રમણ યથાવત છે અને કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે ત્રીજી લહેર આવવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે હવે આ વર્ષે પણ ગોપી કાર્નિવલનું આયોજન પણ કરાશે નહીં. તા.4-12-2015ના દિવસે જે-તે સમયના ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ઐતિહાસિક ગોપી તળાવના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અને ઉદઘાટન સમયે તેઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, કાંકરિયા કાર્નિવલની જેમ ગોપીતળાવ ખાતે પણ ગોપી કાર્નિવલનું આયોજન કરવું જોઈએ. જેથી તાબડતોબ તે જ વર્ષથી મનપાએ ગોપી કાર્નિવલનું આયોજન શરૂ કર્યું હતું. વર્ષના અંતે તા.25થી 31 ડિસેમ્બર દરમિયાન ગોપી કાર્નિવલમાં વિવિધ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને શહેરીજનો મોટી સંખ્યામાં ગોપી કાર્નિવલમાં જતા હોય છે. પરંતુ આ વર્ષે પણ કોરોનાને કારણે ગોપી કાર્નિવલ નહીં યોજવામાં આવે તેવો નિર્ણય મનપા તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

  • કોરોનાને કારણે સતત બીજા વર્ષે ગોપી કાર્નિવલ ઉત્સવ નહીં યોજાય
  • ઓમિક્રોનની દહેશત વચ્ચે આ વર્ષે પણ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ રદ થશે

સુરત: કોરોનાને કારણે શહેરમાં છેલ્લાં 2 વર્ષથી ઘણા તહેવારો, કાર્યક્રમો તેમજ સામૂહિક આયોજનો પડતાં મૂકવામાં આવ્યાં છે. આ વર્ષે સંક્રમણ ઓછું રહેતાં સરકાર દ્વારા તહેવારોની ઉજવણીમાં આંશિક છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ એક જ જગ્યાઓ પર લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય એ માટે તંત્ર દ્વારા આવાં આયોજનો માટે પરવાનગી આપવામાં આવી રહી નથી. જેના પગલે હવે શહેરમાં છેલ્લાં 18 વર્ષથી યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આ વર્ષે પણ નહીં યોજાશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત અમદાવાદ શહેરથી થઈ અને ત્યારબાદ રાજ્યનાં અન્ય શહેરોમાં આ પતંગ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવતું હોય છે.

જો કે, કોરોનાને કારણે આ વખતે પતંગ મહોત્સવ અમદાવાદમાં પણ રદ કરવામાં આવ્યો છે. જે જોતાં હવે અન્ય શહેરોમાં પણ આ કાર્યક્રમ રદ કરવામાં આવશે. સુરતમાં વર્ષ-2002થી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુરતીઓ સહિત અન્ય દેશોના લોકો પણ ભાગ લેતા હોય છે. દેશ-વિદેશથી પતંગરસિયાઓ તેમના પતંગની અવનવી ડિઝાઈન સાથે આવતા હોય છે અને રાજ્યમાં અમદાવાદ, સુરતમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેતા હોય છે. દર વર્ષે પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, બલ્ગેરિયા, ફિનલેન્ડ ક્રોએશિયા, બેલારૂસ, બ્રાઝિલ, ચીન, ઇસ્ટોનિયા, કેમરૂન, ઓસ્ટ્રેલીયા, ચિલી, આર્જેન્ટિના, કેનેડા, કંબોડિયા સહિતના વિવિધ દેશોના તેમજ ભારતનાં વિવિધ રાજ્યોના પતંગબાજો ભાગ લેતા હોય છે.

Most Popular

To Top