સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચુંટણીનો (Election) ધમધમાટ શરૂ શરૂ થઈ ચુક્યો છે. રાજકારણીઓ, કાર્યકર્તાઓ કોવિડ ગાઈડલાઈનનું ભાન ભુલી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે શહેરમાં કોરોનાનું સંક્રમણ પણ ફરીથી વધવા લાગ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં 25 થી 30ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા હતા પરંતુ શનિવારે ફરીવાર પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની (Patient) સંખ્યા વધી છે. શનિવારે શહેરમાં વધુ 49 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 39,896 પર પહોંચ્યો છે. પરંતુ મૃત્યુઆંકની 850 પર જ બ્રેક લાગી છે. તેમજ શનિવારે શહેરમાં વધુ 35 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 38,836 દર્દીઓ સાજા (Recover) થયા છે અને રીકવરી રેટ 97.34 ટકા પર પહોંચ્યો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 03
- વરાછા-એ 08
- વરાછા-બી 02
- રાંદેર 08
- કતારગામ 07
- લિંબાયત 02
- ઉધના 01
- અઠવા 18
જિલ્લામાં નવા 4 કેસ
સુરત: સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ છેલ્લા કેટલાંક દિવસથી સતત સિંગલ ડિજિટમાં નોંધાઇ રહ્યાં છે. વિતેલા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 4 કેસ સામે આવ્યા છે. જેમાં પલસાણામાં 2 અને કામરેજ તથા બારડોલીમાં 1-1 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં હવે માત્ર 93 કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
સુરત જિલ્લામાં 175 વેક્સિન મૂકાઇ
સુરત ગ્રામ્ય વિસ્તારમાં આજે 175 આરોગ્ય કર્મચારીઓને વેકિસન મૂકાઇ છે. જેમાં 18 હેલ્થ વર્કર્સ તેમજ 157 ફન્ટલાઇનર્સ કોરોના વોરિયરનો સમાવેશ થાય છે.
વિતેલા 24 કલાકમાં રાજ્યના 11 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નહીં
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 279 કેસ નોંધાયા હતા. આજે રાજ્યમાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું ન હતું. આજે 283 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,58,834 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 97.67 ટકા રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 60, સુરત મનપામાં 49, વડોદરા મનપામાં 45, રાજકોટ મનપામાં 31, ભાવનગર મનપામાં 6, ગાંધીનગર મનપામાં 5, જામનગર મનપામાં 3 અને જૂનાગઢ મનપામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 11 જિલ્લા -મનપામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 1763 વેન્ટિલેટર ઉપર 29 અને 1,734 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં આજે કુલ 630 કેન્દ્રો ઉપર 17,008 વ્યકિતઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 7,84,619 વ્યકિતઓનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.