સુરત: સુરતમાં (Surat) રજવાડી ઠાઠમાઠ સાથે ભાજપના (BJP) ઉમેદવારોએ (Candidate) આજે સુરતની જૂની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કતારગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનુ મોરડીયા આજે સવારે ઘોડા પર બેસીને વટભેર ફોર્મ ભરવા સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તે ઉપરાંત સુરત પશ્ચિમના ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદી પણ સમર્થકોની હાજરીમાં ઢોલ નગારાની તાલે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પૂર્ણેશ મોદીને સાંસદ દર્શના જરદોષનો પણ સાથ મળ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના સુર પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર સંજય પટવાએ પણ સમર્થકોની હાજરીમાં ઉમેદવારી પત્રક ભર્યું હતું.
- કતારગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર વિનુ મોરડીયાની ઘોડસવારીએ આકર્ષણ જમાવ્યું
- સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકના ઉમેદવાર પૂર્ણેશ મોદીએ સમર્થકોની હાજરીમાં ફોર્મ ભર્યું
- સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંજય પટવાએ પણ ફોર્મ ભર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા છેલ્લાં એક સપ્તાહ કરતા વધુ સમયથી શરૂ થઈ ગઈ છે. હવે ઉમેદવારી ફોર્મ ભરવા આડે બે જ દિવસનો સમય બાકી છે. ગઈકાલે ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ. સુરતમાં 12 પૈકી 11 ઉમેદવારોની યાદી જાહેર થઈ. એક માત્ર ચોર્યાસીની બેઠક માટે સસ્પેન્સ યથાવત છે. ત્યારે અન્ય 11 ઉમેદવારો હવે ધીમે ધીમે ઉમેદવારી ફોર્મ ભરવા માંડ્યા છે.
આજે શુક્રવારે સવારે સૌથી પહેલાં કતારગામ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર વિનુ મોરડીયા ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ગઈ વખતની જેમ જ વિનુ મોરડીયા પઘડી પહેરી ઘોડા પર બેસી રજવાડી ઠાઠમાઠ સાથે સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ઘોડા પર ઉમેદવારને જતા જોઈ લોકો અચરજ પામ્યા હતા. વિનુ મોરડીયાની ઘોડા પરની સવારીએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું.
વિનુ મોરડીયા બાદ કોંગ્રેસના સુરત પશ્ચિમ વિધાનસભાના સંજય પટવા અને આ જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદી સમર્થકોની સાથે ઢોલનગારાના તાલે ઉમેદવારી પત્રક ભરવા સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. સંજય પટવાની કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. શાંતિપૂર્ણ રીતે સંજય પટવાએ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
સંજય પટવા બાદ સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારના જ ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદી ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચ્યા હતા. તેઓ સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને તેમના સમર્થકો જોડાયા હતા. ભારત માતા કી જય ના નારા તેઓએ પોકાર્યા હતા. દર્શના જરદોશ પણ પૂર્ણેશ મોદીના સમર્થનમાં કચેરી પર પહોંચ્યા હતા.