સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે લોકો અહી માર્કેટોમાં આવે છે. તેવો જ એક હૈદરાબાદનો પરિવાર સુરતમાં લગ્નપ્રસંગની ખરીદી કરવા આવ્યા હતા. પરંતુ લોકડાઉન થતા તેઓ હવે સુરતમાં ફસાઈ ગયા છે. પરંતુ તેઓને વરાછામાં ઉમિયા માતાના મંદિરમાં આશ્રય આપવામાં આવ્યો છે.
તેલંગાણાના હૈદરાબાદ શહેરમાં રહેતો સિંગ પરિવાર આવતા મહિને ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી સુરતમાં સાડી અને કપડાંની ખરીદી માટે આવ્યા હતા. કુલ 12 સભ્યો સાથે આ પરિવાર 18મી માર્ચે સુરત આવ્યા હતા. તે દરમિયાન દેશભરમાં કોરોનાની પરિસ્થિતિ એટલી ગંભીર ન હતી. તેઓ ખરીદી કરીને 23 મી માર્ચે તેમના શહેર હૈદરાબાદ પરત ફરવાના હતા. પરંતુ તે પહેલા જ લોકડાઉનની જાહેરાત અને તમામ ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જતા આ પરિવારને સુરતમાં જ રોકાવાનો વારો આવ્યો છે. સુરતના પ્રથમ નાગરિક મેયરે આ પરિવાર સાથે વાતચીત કરીને તેમની કાળજી કરી હતી જેથી આ પરિવારે સુરત શહેરનો ખુબ ધન્યવાદ માન્યો હતો. તેઓ ઉમિયા માતા મંદિરમાં રોકાયા છે જ્યા તેઓની તમામ સુવિધા કરવામાં આવી છે. તેઓ અહી રોકાઈને ઘણા ખુશ છે. તેઓને તમામ સુવિધા આપવામાં આવી છે. અને તેઓને કોઈ પરેશાની નથી તેમ આ પરિવારે મેયર ડો. જગદીશ પટેલને જણાવ્યું હતું.