સુરત: સુરતમાં મતદાનની (Surat Voting) ફરજ નિભાવવા માટે એક દર્દીએ (Patient) પોતાના બિમાર શરીરની પણ પરવા કરી નથી. અકસ્માતમાં પગમાં ગંભીર ઈજા થતા ઓપરેશન કરવાની સ્થિતિ ઉભી થઈ હોવા છતાં દર્દીએ મતદાનની ફરજ નિભાવી છે. આવતીકાલે 2 ડિસેમ્બરની સવારે પગનું ઓપરેશન થાય તે પહેલાં આજે દર્દી એમ્બ્યુલન્સમાં (Ambulance) બેસી મતદાન કરવા પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામમાં રહેતા ઉદ્યોગપતિ ગોપાલભાઈ ચમારડીનો (Gopal Chamardi) ગઈ તા. 29મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્રના બાબરા તાલુકામાં કાર અકસ્માત થયો હતો. કાર ખાડીમાં પડી ગઈ હતી, જેના લીધે તેના પગમાં ખૂબ ગંભીર ઈજા થઈ હતી. સૌરાષ્ટ્રમાં પ્રાથમિક સારવાર બાદ ગોપાલ ચમારડીને ફ્લાઈટમાં સુરતમાં લાવવામાં આવ્યા હતા. અહીં કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આવતીકાલે 2 ડિસેમ્બરે ઓપરેશન છે. પરંતુ તેઓને આજે મતદાન કરવું હોય સ્પેશ્યિલ રિક્વેસ્ટ પર તેમને ડોક્ટરની મંજૂરી સાથે એમ્બ્યુલન્સમાં મતદાન કરવા લઈ જવામાં આવ્યા હતા. કતારગામ બાળાશ્રમ સ્કૂલ નં. 6 બુથ નં. 6 પર મતદાન કરવા લઈ જવાયા હતા.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
ગોપાલ ચમારડી સરદાર પટેલના 147 પૂતળાં બનાવવા માટે જાણીતા
બાબરાના ચમારડી ગામના ભામાશા ગણાતા ગોપાલ વસ્ત્રપરા (ચમારડી) દ્વારા સરદાર પટેલના 147માં માં જન્મદિન નિમિતે 147 ગામડાઓમાં 8 ફૂટના સરદાર પટેલના સ્ટેચ્યુ બનાવી આ ગામોમાં અર્પણ કરવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલાં આ કાર્ય કરી તેઓ છવાઈ ગયા હતા.
ઢોલનગારા સાથે વાજતે ગાજતે દુલ્હન મતદાન કરવા ગઈ
સુરતમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી હોય દુલ્હા-દુલ્હન માંડવો છોડી પહેલાં મતદાન કરવા પહોંચ્યા હતા. સુરતની એક દુલ્હન તો ઢોલ નગારા સાથે જાન લઈને જતી હોય તેમ મતદાન મથક પર વાજતે ગાજતે પહોંચી હતી. મતદાન મથકના કર્મચારીઓ પણ દુલ્હનને આવી રીતે આવતી જોઈને હરખાયા હતા. દુલ્હને કહ્યું કે, લગ્નજીવનની જવાબદારીઓ ઉઠાવતા પહેલાં મતદાનની ફરજ નિભાવવી વધુ આવશ્યક છે.
કોંગ્રેસના યોગેશ બાકરોલા ભાજપમાં જોડાતા દર્શન નાયક દોડતા થયા
મતદાનના દિવસે પણ સુરતમાં રાજકીય દાવપેચ ચાલુ જ રહ્યાં હતાં. અહીંની ઓલપાડ વિધાનસભા બેઠક પર કોંગ્રસના પૂર્વ ઉમેદવાર યોગેશ બાકરોલાએ ભાજપ જોઈન કરી લેતા કોંગ્રેસના વર્તમાન ઉમેદવાર દર્શન નાયક દોડતા થઈ ગયા હતા. બુધવારે રાત્રે જ યોગેશ બાકરોલાએ ભાજપ જોઈન કર્યું હોવાની વાત જાણવા મળી છે. બાકરોલા ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આ તરફ ઓલપાડ વિધાનસભા બેઠક પર કોસાડ આવાસના મતદારો ખૂબ મહત્ત્વના છે, ત્યારે ભાજપે કોસાડ આવાસમાં ટીમો ઉતારી છે.