સુરત (Surat) : પલસાણા-હજીરા હાઇવે (Palsana Hazira Highway) ઉપરથી બુલેટ (Bullet) લઇને પસાર થઇ રહેલા બે મિત્રો પૈકી એકનું ગાય (Cow) સાથે બુલેટ અથડાતા થયેલા અકસ્માતમાં (Accident) ગંભીર ઇજાને પગલે મોત (Death) નિપજ્યું હતું. બનાવ અંગે સચિન પોલીસે બુલેટના ચાલક વિરૂધ્ધ બેદરકારીથી બુલેટ હંકારવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સચિન પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પનાસ ગામ કેનાલ રોડ ખાતે રહેતા પવનભાઇ શકરભાઇ આહીર તેની બુલેટ નં. જીજે.5.એલટી.1255 લઇને તેમના મિત્ર ક્રિષ્ના અમૃતભાઇ ઇશ્વર સાથે ગત મોડી સાંજે પલસાણા-હજીરા હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બુલેટ બેફિકરાઇથી હંકારતા ગાય સાથે ભટકાઇ હતી. અકસ્માતમાં ફંગોળાઇને ડિવાઇડર સાથે ભટકાતા પવન આહીરનું ગંભીર ઇજાને પગલે મોત નિપજ્યું હતું. જ્યારે મિત્ર ક્રિષ્નાને ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે સચિન પોલીસે બુલેટ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચાલકે અડફેટે લેતા બાઇક સવાર અને કૂતરાનું મોત
વલસાડ : વલસાડ (Valsad) તાલુકાના પાલણ ગામે આજે વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બાઈક (Bike) ચાલકે કૂતરાને (Dog) અડફેટે લેતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કૂતરાનું પણ મોત નીપજ્યું હતું. જે અંગેની ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના ધનોરી ગામે સોસાયટી ફળિયામાં રહેતા કાંતિ છગન પટેલ (ઉંવ 55) ગુંદલાવમાં ડેમોસા કંપનીમાં નોકરી કરે છે. સોમવારે સવારે કાંતિલાલ પોતાની બાઈક લઈને ગુંદલાવ ડેમોસા કંપનીમાં આવવા માટે નીકળ્યા હતા. પાલણ ગામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તા વચ્ચે કૂતરું આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાંતિલાલની બાઈક સ્લીપ થઈ ગઈ હતી. તેમને માથામાં ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કૂતરાનું પણ મોત નીપજ્યું હતું. જેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કાંતિલાલની લાશને એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ મથકે નોંધાઈ છે.