સુરત: (Surat) અડાજણ વિસ્તાર હરિઓમ પેટ્રોલ પંપની (Petrol Pump) પાસે નવી બંધાતી યુનિવર્સિલ નામની બિલ્ડિંગમાં (Building) કામ કરતા કારપેન્ટરનું નવમા માળેથી પડી જવાના કારણે મોત નિપજ્યું હતું. કારપેન્ટર ગર્ભવતી (Pregnant) પત્નીને પ્રસુતિ માટે વતન મૂકીને પરત સુરત આવ્યો હતો. ત્યારે તેને અકાળે જીવન ગુમાવવું પડ્યું હતું.
- અડાજણમાં નવી બંધાતી બિલ્ડિંગના 9 મા માળેથી નીચે પટકાયેલા કારપેન્ટરનું મોત
- ગર્ભવતી પત્નીને પ્રસુતી માટે વતન મૂકીને આવ્યા બાદ કારપેન્ટરનું મોત
અડાજણ પોલીસના જણાવ્યા અનુસાર અડાજણ વિસ્તાર ખાતે હરિઓમ પેટ્રોલ પંપની પાસે યુનિવર્સલ નામથી નવી બિલ્ડિંગ બંધાઈ રહી છે. ત્યાં બિલ્ડિંગ પાસે જ ઝૂપડામાં કારપેન્ટર મુસફીક આલમ( 30 વર્ષ) મૂળ બિહારના પૂર્ણિયા જિલ્લાનો વતની હતો. મુસફીક આલમ નવી બંધાતી યુનિવર્સલ નામની બિલ્ડિંગમાં કારપેન્ટર તરીકે કામ કરતો હતો. ગતરોજ સાંજે બિલ્ડિંગના નવમા માળેથી કામ કરતી વખતે તે અચાનક નીચે પટકાયો હતો જેને કારણે તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સાથેના કામદારો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે અડાજણ પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતક મુસફીકની પત્ની ગર્ભવતી છે. હાલમાં તેને આઠ મહિનાનો ગર્ભ છે. હાલમાં મુસફીક ગર્ભવતી પત્નીને ડિલિવરી માટે વતન મુકવા ગયો હતો. પત્નીને વતન મૂકીને આવ્યા બાદ આ બનાવ બનાવ બન્યો હતો. બાળકનો ચહેરો જોય તે પહેલા જ મુસફીકનું મોત નિપજ્યું હતું. બાળકે પણ દુનિયામાં અવતરે તે પહેલા પિતાની છત્રછાયા ગુમાવી છે.
જંબુસરના કોટ બારણાની પેટા તિજોરીની કચેરીમાં સ્લેબ તૂટી પડતાં કર્મચારી ઘાયલ
જંબુસર: જંબુસરના કોટ બારણા ખાતે જૂની કોર્ટ કચેરી તથા પેટા તિજોરી આવેલી છે. બુધવારે બપોરે પેટા તિજોરીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ધડાકાભેર સ્લેબ તૂટી પડતાં એક કર્મીને ઈજા થઇ હતી. સમગ્ર ઘટના બનતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં રાહત અનુભવી હતી.
જંબુસર પેટા તિજોરીનું મકાન જર્જરિત હાલતમાં આવેલું છે. ક્યારે પણ હોનારત થાય એ માટે જીવના જોખમે તિજોરીમાં પ્રવેશવું પડે છે. જો કે, બુધવારે બપોરે પેટા તિજોરીમાં એકાએક છતનો ભાગ ધડાકાભેર ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી, જેમાં ઓફિસમાં કામ કરતા જુનિયર ક્લાર્ક શૈલેષભાઈ પરીખના શરીર પર સ્લેબ પડતાં નાની-મોટી ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ આજુબાજુમાં થતાં લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય એ છે કે, પેટા તિજોરી કચેરી જર્જરિત હાલતમાં હોવાથી જવાબદાર અધિકારી દ્વારા ઉચ્ચ સ્તરે અધિકારીને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવી છે. તેમ છતાંય અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને કર્મચારીઓના જીવના જોખમે નોકરી કરવા મજબૂર બન્યા છે. આ બનાવ પછી ઉચ્ચસ્તરીય અધિકારીઓ આ તિજોરી કચેરી અન્યત્ર ખસેડવા પગલાં ભરશે કે કેમ એ બાબતે નગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.