સુરતઃ (Surat) અઠવાલાઈન્સ ખાતે આદર્શ સોસાયટીમાં રહેતા બિલ્ડરના (Builder) ઘરમાં બે મહિના પહેલા ઘરકામ માટે રાખેલી સર્વન્ટના પતિએ એક લાખની કિંમતની સોનાની (Gold) કલકત્તી બંગડીની (Bangle) ધુળેટીના દિવસે ચોરી કરી હતી. અમરોલી પોલીસે તેને પકડીને બિલ્ડરને પુછતા ચોરી થયાની જાણ થતા ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
- આદર્શ સોસાયટીમાં નોકરાણીના પતિએ બિલ્ડરના ઘરમાંથી એક લાખની સોનાની બંગડી ચોરી લીધી
- બિલ્ડર અને તેના પત્ની એવું સમજતા હતા કે ઘરમાં નાનુ બાળક છે તો ક્યાંક બીજે મુકાઈ ગઈ હશે
- પરંતુ 10 દિવસ બાદ બંગડી વેચવા નીકળેલા નોકરને અમરોલી પોલીસે પકડી પાડયો
અઠવાલાઈન્સ ખાતે આદર્શ સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય નીલ હરેશકુમાર શાહ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને ઉમરા પોલીસ સ્ટેશનમાં રાજુ નિગવાલની સામે ફરિયાદ નોંધાવી છે. નીલભાઈ તેમના ઘરેથી ”ઈકો ઈન્ફ્રા કન્સ્લ’’ નામના ફર્મથી બાંધકામના પ્રોજેકટને લગતું કામકાજ કરે છે. વર્ષ ૨૦૨૧ માં તેમની પત્નીના શ્રીમંત વખતે એક જોડી સોનાની કલકત્તી ડિઝાઈનવાળી બંગડીઓ તેમની માતાએ ગીફ્ટ આપી હતી. બંગલાની સાફ સફાઈ માટે ૩જી જાન્યુઆરીએ રેવકી ઉર્ફ રેખા રાજુ નિગવાલ નોકર તરીકે રાખ્યા હતા.
બન્ને બંગલાના નીચે સર્વન્ટ રૂમમાં રહેતા હતા. રેવકી ઉર્ફ રેખાનો પતિ રાજુ પુંગરીયા નિગવાલ ઓટો રિક્ષા ચલાવે છે. અને રેવકીને મહિને ૧૦ હજાર પગાર નક્કી કરાયો હતો. ગત ૮ માર્ચે ધુળેટીના દિવસે રાત્રે આશરે નવેક વાગ્યે નીલની પત્નીને પોતાના બેડરૂમમાં કબાટમાં રાખેલી એક જોડી સોનાની કલકત્તી ડિઝાઈનવાળી ૧ લાખની વીસ ગ્રામ બંગડીઓ મળી નહોતી રહી, તેમનો દિકરો નાનો હોવાથી કયાંક મૂકાઈ ગઈ હોવાનું માની લીધું હતું.
આ દરમિયાન એવું બન્યું કે ગત ૧૪ માર્ચે સાંજે તેમની કામવાળી રેખા પતિ સાથે શોપીંગ કરવા ગઈ હતી. રેખા રાત્રે પરત આવી ગઈ પણ તેનો પતિ આવ્યો નહોતો. દરમિયાન નીલભાઈને અમરોલી પોલીસે ફોન કરીને તમારા ઘરેથી કોઈ વસ્તુ ચોરી થયાનું પુછ્યું હતું. નીલભાઈ તેમના ઘરેથી કલકત્તી ડિઝાઈનવાળી બંગડી ચોરી થયાનું કહેતા પોલીસે રાજુ પુંગરીયા નિગવાલ (રહે. બંગલા નંબર બી/૪૨ આદર્શ સોસાયટીના સર્વન્ટ રૂમમાં અઠવાલાઈન્સ તથા મુળ અલીરાજપુર મધ્યપ્રદેશ) આ સોનાની બંગડીઓ સાથે મળી આવ્યો હોવાનું કહેતા નીલ ભાઈએ બાદમાં ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.