Gujarat

રાજ્ય સરકારનું સી-પ્લેન હવામાં ઉડી ગયું, હવે ચલાવવાની કોઇ યોજના નથી

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે અમદાવાદના (Amedabad) સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેનની (Sea Plane) સેવા શરૂ કરવામાં આવી હતી. તેની પાછળ અંદાજે 13.15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ગણતરીના દિવસોમાં જ સી-પ્લેનની સેવા બંધ કરી દેવામાં આવી હતી. આ સી-પ્લેનના મુદ્દે આજે ગુજરાત વિધાનસભામાં સરકાર બરાબરની ભેરવાઈ હતી, અને આખરે સી-પ્લેન સેવા હાલમાં શરૂ કરવાની કોઈ તૈયારી ન હોવાનો સ્વીકાર કર્યો હતો.

ગુજરાત વિધાનસભામાં સી-પ્લેનના મુદ્દે રાજ્ય સરકારને વિરોધ પક્ષ દ્વારા બરાબર ભીંસમાં લેવામાં આવી હતી. વર્ષ 2020માં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેનની સેવા શરૂ કરી હતી. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે થોડા જ દિવસોમાં પ્લેનના મેન્ટેનન્સના બહાને આ સેવા બંધ કરી દેવામાં આવી હતી. મહિનાઓ થવા છતાં આ સેવા શરૂ કરી શકાય નથી, અને તેની પાછળ કરવામાં આવેલો કરોડો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આખરે આ મુદ્દે રાજ્ય સરકારે વિધાનસભામાં હાલમાં આ સેવા શરૂ નથી અને સેવા બંધ છે, તેમજ આ સી-પ્લેન સેવા ભવિષ્યમાં ક્યારે શરૂ થશે તે અંગે કોઈ જ માહિતી ન હોવાનું સરકારે જણાવ્યું હતું. આમ સી-પ્લેનના મામલે સરકાર બરાબરની ભેરવાઈ હતી.

સી-પ્લેનના ઓપરેટિંગ માટેની ઊંચી કોસ્ટ અને તેના મેન્ટેનન્સનો ખૂબ મોટો ખર્ચ થતો હોવાથી હાલના તબક્કે કોઈપણ ઓપરેટર આ સેવા શરૂ કરવા તૈયાર નથી. બીજી તરફ સી-પ્લેનનો ખર્ચ અને તેના માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વોટર એરોડ્રોમ ધૂળ ખાઈ રહ્યું છે.

Most Popular

To Top