સુરત: સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર્સ એસોસિએશનનાં (Surat Textile Shop Brokers Associations) પ્રમુખ અમિત શર્મા -ખન્ડેલાએ NTM માર્કેટનાં બોર્ડ રૂમમાં આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે,સરોલી ખાતે રાજ ટેક્સટાઈલ ટાવરનો પ્રોજેકટ કરનાર બિલ્ડર સોમપ્રકાશ નાહટા અને તેમના પુત્ર મુકેશ નાહટા (રહે. સોલીટેર એપાર્ટમેન્ટ, પારલે પોઇન્ટ સુરત) દ્વારા 3 વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ કરવાનું વચન આપી માર્કેટમાં દુકાનનું વેચાણ કરાવનાર બ્રોકર રૂપચંદ ભીખારામ રાઠોડને દલાલી નહીં ચુકવી માર મારવાનો આક્ષેપ કર્યો છે. એસોસિએશનની મદદથી બ્રોકરે પુણા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે ફરિયાદ નોંધાવતાં પુણા પોલીસે બંને પિતા-પુત્ર બિલ્ડર સામે ગુનો દાખલ કર્યો છે.
- સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર એસો. ‘રાજ ગ્રુપ’ બિલ્ડર સામે રેરામાં ફરિયાદ કરશે
- પુણા પોલીસે રાજ ગ્રુપના બિલ્ડર સોમપ્રકાશ અને મુકેશ નાહટા સામે ગુનો દાખલ કર્યો
અમિત શર્મા વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ(RERA)માં પણ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. એસોસિએશન દ્વારા શુક્રવારે ન્યૂ ટેક્સટાઇલ માર્કેટના બોર્ડ રુમમાં આયોજિત પત્રકાર પરિષદમા બિલ્ડર (Builder) પર આરોપ મુકતા બ્રોકર (Broker) રુપચંદ ભીકારામ રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લાં 6 વર્ષથી બ્રોકરેજ પેટે 24 લાખ રુપિયા લેવાના થાય છે પરંતુ બિલ્ડર બહાનાબાજી કરી ચુકવતા નથી. 15 ડિસેમ્બરના રોજ રુપચંદ રાઠોડ તેમના મિત્ર મહેન્દ્ર પટેલ સાથે રાજ ટેક્સટાઇલ ટાવર માર્કેટના સી-ટાવરમાં દુકાન નંબર-51માં બિલ્ડર પાસે ગયા હતા અને ત્યાં હાજર બિલ્ડર મુકેશ નાહટા અને સોમપ્રકાશ નાહટાને બ્રોકરેજ ચુકવવાની વાત કરતા ઉશ્કેરાઇને મુકેશ અને સોમ પ્રકાશ નાહટાએ ગાળો આપી રુપચંદને માર માર્યો હતો.
એસો.ની રજૂઆત પછી આ મામલામાં પોલીસે વગદાર બિલ્ડર સામે ગુનો નોંધાયો છે. આ મામલે સુરત ટેક્સટાઇલ શોપ બોકર એસોસિએશન ક્રેડાઈ (બિલ્ડર એસોસિએશન)માં અને રેરામાં પણ આવા બિલ્ડર્સ સામે કાર્યવાહી માટે રજૂઆત કરશે. આ કેસ ઉપરાંત સારોલીની માર્કેટમાં જે પ્રોજેક્ટમાં વેપારીઓએ રોકાણ કરવા છતાં દુકાનોના કબ્જા મળ્યા નથી. તેમની સામે પણ ક્રેડાઈ અને રેરામાં ફરિયાદ કરશે.એક માર્કેટના બિલ્ડર ગ્રુપ સામે ફરિયાદ થઈ ચૂકી છે. આ કેસમાં પુણા પોલીસે ઇપીકો કલમ 323,294(ખ),506(2),અને 114 મુજબ બિલ્ડર મુકેશ સોમપ્રકાશ નાહટા અને સોમપ્રકાશ ઝૂમરલાલ નાહટા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.