SURAT

સુરતમાં બીઆરટીએસના 1 કિ.મી. રૂટની લોખંડની ગ્રીલ ચોરાઈ ગઈ!

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રજાના પૈસે લાખો-કરોડો રૂપિયાના પ્રોજેક્ટો (Project) તો સાકાર કરી દેવામાં આવે છે પરંતુ તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી. સુરત મનપા દ્વારા શહેરીજનો માટે સિટીબસ, બીઆરટીએસ બસ (BRTS Bus) શરૂ કરવામાં આવી છે. પરંતુ આ બસનું કે બસ રૂટનું મેઈન્ટેનન્સ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. મનપાની સિટી બસોની હાલત તો કંડમ થઈ જ ગઈ છે પરંતુ બીઆરટીએસના રૂટના પણ ઠેકાણા નથી. ખટોદરા જંક્શન પાસે બીઆરટીએસ રૂટમાં 1 કિ.મી સુધીની લોખંડની માત્ર ફ્રેમ જ છે અંદરની ગ્રીલ જ નથી અને મનપા દ્વારા આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવતી નથી.

કરોડો રૂપિયાના ખર્ચે સાકાર કરવામાં આવેલા સિટીબસ અને બીઆરટીએસ પ્રોજેક્ટમાં મેઈન્ટેનન્સના નામે મીંડુ છે. બસોની હાલત પણ ખરાબ છે તેમજ રૂટ પર પણ સુવિધા યોગ્ય નથી. મનપા દ્વારા જે બીઆરટીએસ રૂટમાં બંને બાજુ લોખંડની રેલીંગ કરવામાં આવી છે તેની માત્ર ફ્રેમ છે ઘણી જગ્યાએ અંદરની ગ્રીલ જ નથી. ખટોદરા જંક્શન પાસે નજીકમાં જ ખટોદરા પોલીસ સ્ટેશન પણ છે તેમ છતાં અહી લોકો બિંન્ધાસ્ત ચોરી (Thief) કરીને ચાલ્યા જાય છે અને મનપા દ્વારા અહી પૈજાના પૈસે નવી ગ્રીલ લગાવી દેવામાં આવી રહી છે પરંતુ કોઈ એક્શન લેવામાં આવતી નથી.

પાન મસાલા ખાઈને થૂંકનારની હવે ખૈર નથી
સુરત : સુરત શહેરને સુંદર અને સ્વચ્છ શહેર બનાવવા માટે મનપા દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરીજનોને જાણે સ્વચ્છતા અને સુંદરતા પસંદ ન હોય તેમ શહેરને બદસુરત કરી રહ્યા છે. મનપા દ્વારા શહેરને સુંદર બનાવવા માટે વોલ અને બ્રિજ પર સુંદર પેઈન્ટીંગ કરવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરીજનો પેઈન્ટીંગ પર જ પાન-માવા ખાઈને થુંકી રહ્યા છે. જેથી હવે મનપા દ્વારા આવા લોકો સામે લાલ આંખ કરી છે. સીસીટીવી કેમેરાની મદદથી થુંકનારાઓ પર નજર રખાશે અને આકરા દંડ વસુલવામાં આવશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.
સ્વચ્છતા સર્વેક્ષણના ભાગરૂપે શહેરને સ્વચ્છતામાં અગ્રેસર બનાવવા માટે મનપા ઘણી મહેનત કરી રહી છે. પરંતુ શહેરીજનોના અપુરતા સહકારને કારણે સ્વચ્છતા સર્વેક્ષણમાં મનપા પ્રથમ ક્રમે આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. કારણકે, મનપા દ્વારા બ્રિજ પર પેઈન્ટીંગ કરવામાં આવે છે તેમજ ઘણી વોલ પર સુંદર પેઈન્ટીંગ કરાઈ રહી છે અને તેના પર જ લોકો બેશરમ બનીને થુંકી રહ્યા છે. પરંતુ હવે મનપા આવા લોકો સામે આકરા દંડ વસુલશે.

Most Popular

To Top