સુરત: (Surat) સહારા દરવાજા રેલવે ઓવર બ્રિજ (Bridge) ઉપર સોમવારે સાંજે સીએનજી કારમાં (Car) આગ (Fire) લાગવાને કારણે ભારે અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો હતો. સાંજના સમય હોવાને કારણે પૂલ ઉપર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આગની આ ઘટનાનો કોલ ફાયર વિભાગને મળતા તેમની ટીમ તુરંત ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.
- સહારા દરવાજા રેલવે ફ્લાઈ ઓવર ઉપર દોડતી કારમાં આગ લાગતા ભારે અફરાતફરી ફેલાઈ
- સાંજનો સમય ટ્રાફિકનો પીક સમય હોવાથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
પ્રાપ્ત જાણકારી મુજબ સોમવારે સાંજે 5:15 કલાકે સહારા દરવાજા રેલવે ઓવર બ્રિજ ઉપર દોડતી એક મારુતિ વેનના વાયરીગમાં ખામી સર્જાઈ હતી જેને કારણે આગ લાગી હતી. વેનના મલિક તુરંત વેનમાંથી બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ તેમણે ફાયર કંટ્રોલ રૂમને ઘટનાની જાણ કરી હતી.તેથી ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર સળગીને ખાખ થઇ ગઈ હતી. ફાયરની ટીમેં પાણીનો મારો ચલાવી આગને ઓલવી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ પૂલ ઉપર ટ્રાફિક ભારે પ્રમાણમાં જામ થઇ ગયો હોવાથી આગ ઓલવવામાં મુશ્કેલી સર્જાઈ હોવાનું ફાયરના સૂત્રોએ જણાવ્યું હતું.
બીલીમોરા ગણદેવી રોડ પર લાગેલી આગમાં પાંચ કાચા મકાનો બળીને રાખ થઈ ગયા
બીલીમોરા : બીલીમોરા ગણદેવી રોડ પર આવેલા પાંચ કાચા મકાનોમાં અગમ્ય કારણસર સોમવારે મોડી સાંજે આગ લાગતા તમામ ઘરો બળીને રાખ થઈ ગયા હતા. ચાર ઘરોની સંપૂર્ણપણે ઘરવખરી રાચરચીલું બળી જતા પરિવારોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.
ગણદેવી રોડ પર આવેલા ઉમા પાર્કની સામેના કૃષ્ણ ફર્નિચરની પાછળના પાંચ કાચા મકાનોમાં સોમવારની મોડી સાંજે અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા પાંચે મકાનો આગમાં બળીને ભસ્મિભૂત થઈ ગયા હતા, જેમાં શારદાબેન જગદીશ ચૌધરી, હીનાબેન ગિરીશ ચૌધરી, સરદ વિશ્વનાથ વાણી અને ગજાનંદ સોનીના ઘરોનું રાચરચેલું, અનાજ પાણી, ઘરવખરી બધું જ બળી જતા લાખોનું નુકસાન પહોંચ્યું હતું. જ્યારે પાંચમું ઘર ખાલી હતું પણ તે ઘરને પણ આગને કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. બીલીમોરાના ફાયર ફાઈટરને કોલ મળતા જ સ્ટાફ ત્રણ ફાયર ફાઈટર લઈને પહોંચી ગયા હતા. એક કલાકની જહેમતે આગને કાબુમાં લેવાઈ હતી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.