સુરત: (Surat) પેટમાં દુખાવો થયા બાદ ઉલટી થતાં પાંડેસરાના યુવકનું મોત (Death) નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલ ગોપાલ નગરમાં સાથીમિત્રો સાથે રહેતા પ્રેમલાલ મોતીલાલ શાહુ (37 વર્ષ) લુમ્સ ખાતામાં નોકરી (Job) કરી વતનમાં રહેતા બે સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પ્રેમલાલને સોમવારે બપોરે પેટમાં દુ:ખાવો થયા બાદ ઉલટી થતાં તેનું મોત નિપજ્યું હતું.
પ્રેમલાલના મિત્ર સંદીપ કુમારે જણાવ્યું હતું કે, પ્રેમલાલને શનિવારે સાંજે પેટમાં દુ:ખાવો થતો હતો. જેથી તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યો હતો. જ્યાં પ્રેમલાલને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ રવિવારે બપોરે પ્રેમલાલને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે બપોરે પ્રેમલાલની તબિયત ફરી લથડતાં તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને 108 એમ્બ્યૂલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રેમલાલને મૃત જાહેર કર્યો હતો.
અમરોલીમાં ચક્કર આવ્યા બાદ છાતીમાં દુખાવો થતાં યુવકનું મોત
સુરત: અમરોલીમાં ચક્કર આવ્યા બાદ છાતીમાં દુખાવો થતાં યુવકનું મોત નિપજ્યું હતું. યુવકનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઓરિસ્સાના વતની સંતોષ મારકંડ નાયક (42 વર્ષ) હાલ અમરોલી વિસ્તારમાં આવેલ રંગનગર પાસે દિલીપ નગરમાં પત્ની સાથે રહેતો હતો. સંતોષ અંજની ઇન્ડસ્ટ્રીના વિભાગ-4માં એક ખાતામાં લુમ્સ મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
સોમવારે સવારે 11 વાગ્યાના અરસામાં સંતોષ નોકરી પર હાજર હતો. તે દરમિયાન તેને અચાનક ચક્કર આવ્યા લાગ્યા હતા અને છાતીમાં દુખાવો થતાં તે ખાતાંની ઉપર અગાસી ઉપર બનાવેલા રૂમમાં આરામ કરવા માટે ગયો હતો. થોડા સમય બાદ સાથી મિત્ર સંતોષને મળવા માટે ગયો હતો. જ્યાં સંતોષ બેભાન મળી આવ્યો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સંતોષનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું ડોકટરે સંભાવના વ્યક્ત કરી હતી.