સુરત: (Surat) બરવાળા લઠ્ઠાકાંડ (Lathha Kand) બાદ પાછલા દિવસોમાં સુરતમાં પોલીસે (Police) એક પછી એક અનેક દારૂના અડ્ઢાઓ પર કાર્યવાહી કરી હતી જોકે આ કાર્યવાહી વચ્ચે પણ સુરતમાં પોલીસનો ખોફ ન હોય તેમ દારૂની ભઠ્ઠીઓ ચલાવવામાં આવે છે. સુરતમાં સચિનના ભાટિયા ગામે પોલીસે ઘરમાં ચાલતી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. ભાટિયા ગામ ખાતે નવી કોલોનીમાં રહેતી મહિલા બૂટલેગર (Bootlegger) તેના પતિ અને સસરા સાથે મળી ઘરમાં જ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતી હતી. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલેની ટીમને જાણ થતા ટીમે રેડ કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને દબોચવાની સાથે દારૂ બનાવવાનો સામાન ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ભાટિયા ગામ નવી કોલોનીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સોમવારે રાતે ઘરમાં ચાલતી દારૂની ભઠ્ઠી પર રેડ કરી હતી. બુટલેગર મહિલા જયશ્રીબેન, પતિ સુરેશ અને સસરા ખાલપાભાઈ રાઠોડ પોતાના ઘરમાં જ દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચલાવતા હતા. પોલીસને અહીંથી લાઈવ દારૂની ભઠ્ઠી મળી આવી હતી. રેડ દરમ્યાન પણ અહી દારૂ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. પોલીસે દેશી દારૂના જથ્થો, દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ કેમિકલ સહિતની સામગ્રી કબજે કરી ત્રણેયની ધરપકડ કરી સચિન પોલીસને સોંપ્યાં હતાં.
બોટાદ લઠ્ઠાકાંડમાં SITની ટીમે સર્ચ ઓપરેશ હાથ ધર્યું
બીજી તરફ બરવાળા લઠ્ઠાકાંડમાં બે મહિલાઓ સહિત 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપી રિમાન્ડ પર હતા. ગઈકાલે તમામના રિમાન્ડ પુરા થતા હોવાથી આરોપીઓને ભાવનગર જેલ હવાલે કર્યા છે. તેમજ હવે SITની ટીમ મુખ્ય આરોપી સમીર પટેલ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.
બોટાદ લઠ્ઠાકાંડમાં SITની ટીમે સર્ચ ઓપરેશ હાથ ધર્યું છે. ત્યારે હવે AMOS કંપનીમાંથી કેમિકલ નીક્ળ્યું હોવાનું તપાસમાં સામે આવતા પોલીસે કંપનીના ડિરેક્ટરો સામે પોલીસે સંકજો કસ્યો છે. SITની ટીમ દ્વારા ચારેય ડિરેક્ટરના ઘરે સર્ચ ઓપરેશન કરાયું છે. બોડકદેવ અને સેટેલાઇટમાં ડિરેક્ટરોના ઘરે તપાસ દરમિયાન બે ડિરેક્ટરો મળી આવ્યા હતા. આ બંને ડિરેક્ટરોને પોલીસમાં હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે. જ્યારે એક ડિરેક્ટર રણજીત ચોકસી અને સમીર પટેલ ફરાર હોવાનું જાણકારી મળતા તેમના વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ચારેય ડિરેક્ટર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.