સુરત (Surat) : કાપોદ્રામાં (Kapodra) ભાજપના (BJP) કાર્યકરો દ્વારા ભાજપના જ એક કાર્યકર ઉપર હુમલો (Attack) કરી દેવાયો હતો. ઇજાગ્રસ્ત (Injured) કાર્યકરને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ (Hospital) ખસેડાયો હતો. જોકે આ મામલે મોડી રાત સુધી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ ન હતી. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કાપોદ્રા વિસ્તારમાં ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી માથાકૂટ મારામારી સુધી પહોંચી હતી. ભાજપના જ કેટલાક કાર્યકરોએ કલ્પેશ દેવાણી નામના ભાજપી કાર્યકર ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની માહિતી સાંપડી છે. હુમલો કરવાનામાં અમિત આહીર અને તેના સાગરીતો હોવાનો આરોપ મુકાઇ રહ્યો છે. હુમલો કરનારાઓ આ અગાઉ ગોપાલ ઇટાલીયાના ઘરે જઇ માથાકૂટ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જે -તે સમયે આ મુદ્દે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.
10 હજારની લેતીદેતીમાં લિંબાયતમાં યુવક પર ચપ્પુથી હુમલો
સુરત : ઉછીના લીધેલા 10 હજાર મુદ્દે લિંબાયતમાં સુતેલા યુવકને ચપ્પુના ઘા મરાયા હતા. લિંબાયત પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મુળ ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના વતની અને હાલ લિંબાયત ડી.કે.નગરની સામે ગણેશનગર ખાતે રહેતા મુકેશ કલ્લુ અહેરવાલ (ઉ.વ.36)નો મોટો ભાઇ અશોક કલ્લુ અહેરવાલ ગતરાત્રે રૂમ ઉપર સુતેલો હતો. તે સમયે આરોપી અરવિંદ ઉર્ફે મુલાયમસિંહ કોમલ (રહે. સીતારામ સોસાયટી, વિભાગ-3, અર્ચના સ્કુલ પાસે, પૂણાગામ) બે દિવસ પહેલા લીધેલા રૂ.10 હજાર અશોક અહેરવાલે પરત નહીં કરતા અદાવત રાખી અરવિંદ ઉર્ફે મુલાયમસિંહે અશોક અહેરવાલને પેટમાં ચપ્પુના ઘા માર્યા હતા.
અમરોલીમાં પતિએ ઘરેણા લેવાની ના કહેતા પત્નીનો આપઘાત
સુરત : ઉત્રાણ ખાતે રહેતી 30 વર્ષિય પરિણીતાને ઘરેણા લેવા હોય પતિએ થોડા સમય બાદ ઘરેણા લેવાનું જણાવતા માઠું લાગી આવતા અંતિમ પગલું ભરી લીધું હતું. સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર અમરોલી ઉત્રાણ ખાતે સુમન સાર્થક એપાર્ટમેન્ટમાં રહેતા અને મુળ અમરેલી સાવરકુંડલા તાલુકાના રામગઢના વતની મહેન્દ્રભાઈ બસિયા હિરા મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન તેમની પત્ની મીનાબેન (ઉ.વ.30) ગત 2 જુલાઇના રોજ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવારજનોને જાણ થઇ જતા મીનાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં 8 દિવસની સારવાર બાદ આજે બપોરે તેમનું મોત નિપજ્યું હતું.