સુરત: (Surat) સુરતના એક ધારાસભ્ય (MLA) વિરુદ્ધ કોંગ્રેસ (Congress) દ્વારા ગંભીર આક્ષેપ (Allegation ) કરવામાં આવ્યા છે. આ ધારાસભ્યએ જાહેર રોડ (Road) પર પાક્કું બાંધકામ (Construction) ઉભું કરી ગેરકાયદે (Illegal) દબાણ કર્યું હોવાની ફરિયાદ યુવક કોંગ્રેસ સુરતના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા કરાઈ છે. આ બાંધકામ તોડી પાડી ધારાસભ્ય વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ કરાઈ છે. એક તરફ સામાન્ય પ્રજા મંજૂર કરતા જો એકાદ-બે મીટર પણ વધુ જમીન પર બાંધકામ કરે તો પાલિકાના અધિકારીઓ તોડી પાડવા દોડી જતા હોય છે ત્યારે સુરતના કોટ વિસ્તારમાં જાહેર રોડ પર ધારાસભ્ય દ્વારા કરાયેલું ગેરકાયદે બાંધકામ પાલિકાના અધિકારીઓને કેમ દેખાતું નહીં હોય તે સવાલ ઉઠ્યા છે.
આ મામલે મળતી માહિતી અનુસાર સુરત પૂર્વનાં ધારાસભ્ય દ્વારા જાહેર રોડ ઉપર કરવામાં આવેલ પાકા બાંધકામ બાબતે યુવક કૉંગ્રેસસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાને મનપા કમિશ્નરને પત્ર પાઠવી ધારાસભ્ય અને સેન્ટ્રલ ઝોનનાં અધિકારીઓ વિરુદ્ધ “લેન્ડ ગ્રેબિંગ એકટ” (Land Garbing Act) મુજબ ગુન્હો દાખલ કરાવવા માંગણી કરી હતી.
- સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મંડપની આડમાં રોડ ઉપર કમ્પાઉન્ડ વોલ ઉભી કરવામાં આવી છે.
- સ્થાનિક આગેવાનો દ્વારા સમાજ માટે પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું હોવાની દલીલ કરાઈ
- યુવક કૉંગ્રેસસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાને મનપા કમિશ્નરને પત્ર પાઠવી ધારાસભ્ય અને સેન્ટ્રલ ઝોનનાં અધિકારીઓ વિરુદ્ધ “લેન્ડ ગ્રેબિંગ એકટ” મુજબ ગુન્હો દાખલ કરાવવા માંગણી કરી.
- સેન્ટ્રલ ઝોનનાં અધિકારીઓ આંખો મીંચીને જમીન ઉપર કબ્જો થવા દઈ રહ્યા છે જે ખુબ જ ગંભીર બાબત છે.
પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત મનપાના સેન્ટ્રલ ઝોન સમાવિષ્ટ કોટસફિલ રોડ ઉપર જાહેર રોડ ઉપર સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મંડપની આડમાં રોડ ઉપર પાકા બાંધકામ ઉભું કરવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ ઝોનનાં અધિકારીઓની નાક નીચે જાહેર રોડ ઉપર પાકા બાંધકામ કરી દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે પરંતુ સેન્ટ્રલ ઝોનનાં અધિકારીઓ આંખો મીંચીને જમીન ઉપર કબ્જો થવા દઈ રહ્યા છે જે ખુબ જ ગંભીર બાબત છે.
સત્તાનાં જોરે એક ધારાસભ્ય દ્વારા જાહેર જમીન ઉપર કબ્જો કરવામાં આવી રહ્યો છે અને તંત્ર તેની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરી રહી નથી જેનાથી શહેરમાં કાયદો-કાનૂનનો રાજ ખતમ થઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. શાન ખાને એવી માંગણી કરી છે કે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ અરવિંદ રાણા દ્વારા ઉભું કરાયેલું પાક્કું બાંધકામ તાત્કાલિક તોડી પાડી જમીન ઉપરથી તેઓનો કબ્જો દૂર કરવામાં આવે તથા સેન્ટ્રલ ઝોનનાં જવાબદાર અધિકારીઓને ફરજ ઉપરથી બરતરફ કરી અરવિંદ રાણા અને સેન્ટ્રલ ઝોનનાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ “લેન્ડ ગ્રેબિંગ એકટ” મુજબ ગુન્હો દાખલ કરાવવામાં આવે.
વધુમાં શાન ખાને ચીમકી આપતા કહ્યું હતું કે જો આ બાબતે તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે તો નામદાર કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવશે. ધારાસભ્ય દ્વારા ગેરકાયદે ઉભા કરાયેલા બાંધકામને તોડી પાડવા માટે શાન ખાને કમર કસી લીધી છે.
સાહેબ વાત કરી લેશે, પાલિકાના અધિકારીઓને સ્થાનિક આગેવાનોએ દમ માર્યો
કોટસફિલ રોડ પર ડીકેએમ હોસ્પિટલની બાજુમાં રોડ પર જ આ દીવાલ ચણવામાં આવી છે. સમાજ માટે પાર્કિંગ બનાવવાના નામે કમ્પાઉન્ડ ચણવામાં આવી હોવાની માહિતી મળી છે. પાલિકાને આ અંગે જાણ થતાં અધિકારીઓ દોડી ગયા હતા અને નિર્માણકાર્ય અટકાવી દીધું હતું. દરમિયાન જાણવા મળ્યા અનુસાર આ કમ્પાઉન્ડ વોલને તોડી પાડવા આદેશ કરાયા છે. દરમિયાન કેટલાંક અધિકારીઓ સ્થળ પર તપાસ માટે જતા સ્થાનિક આગેવાનો દોડી આવ્યા હતા અને ઉપરી અધિકારીઓ સાથે વાત થઈ ગઈ હોવાનો અને સાહેબ વાત કરી લેશે એવો દમ પણ માર્યો હતો.