SURAT

શહેર ભાજપને શરમાવે તેવી વધુ 2 ઘટનાઓ: એક એ દારૂની મહેફિલ માણી તો બીજાએ 15 વર્ષીય કિશોરીની છેડતી કરી

સુરત: (Surat) સુરત શહેરમાં ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી ખળભળાટ છે. ભાજપના (BJP) કાર્યકર્તાઓના કારસ્તાન એક પછી એક સામે આવી રહ્યા છે. અગાઉ સુરત ભાજપના નેતાનો (Leader) યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ ભાજપના જૂથવાદને કારણે નગર સેવક અને તેના પિતાને માર પડ્યાની ઘટના સામે આવી હતી. બુધવારે ભાજપને શરમાવે તેવી એક સાથે બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુંટણી માટે ભાજપ દ્વારા ઉભો કરવામાં ઉમેદવારનો દારૂની (Alcohol) મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો હતો. સાથેજ ભાજપના કાર્યકરે પડોશમાં રહેતી 15 વર્ષીય કિશોરીને અગાસી ઉપર બોલાવી છેડતી કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુંટણી માટે ભાજપ દ્વારા ઉભો કરવામાં આવેલ ઉમેદવાર રાકેશ ભીકડીયાનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થતાં ફરી શહેર ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શરાબની મહેફિલ માણવામાં વ્યસ્ત આ ઉમેદવારનો વીડિયો વાયરલ થતાં ફરી એક વાર ભાજપ ચર્ચાનો વિષય બની છે. વરાછામાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર રાકેશ ભીકડીયાને ગઈકાલે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવ્યા છે. ત્યારે શિક્ષણ સમિતિની શાળાઓના અંદાજે દોઢ લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જેમને સોંપવામાં આવનાર છે તેવા સભ્યો પૈકી આ એક સંભવિત સભ્યની હરકતને કારણે અનેક પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે.

ભાજપના કાર્યકરે પડોશમાં રહેતી 15 વર્ષીય કિશોરીને અગાસી ઉપર બોલાવી છેડતી કરી

શહેર ભાજપને શરમાવે તેવી વધુ એક ઘટનામાં શહેરના ઉધના વિસ્તારમાં ગાંધીકુટીર સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકરે પડોશમાં રહેતી 15 વર્ષીય કિશોરીને અગાસી ઉપર બોલાવી છેડતી કરી હતી. કિશોરીએ પરિવારમાં જાણ કરતા ભાજપા કાર્યકરની સામે છેડતીની ફરિયાદ દાખલ કરી ઉધના પોલીસે આરોપી વિશાલ પાટીલની ધરપકડ કરી હતી.

ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ગાંધીકુટીર સોસાયટીમાં રહેતો વિશાલ ઉર્ફે ભુષણ વિજય પાટીલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. સાથે જ તે ભાજપના યુવા કાર્યકર્તા તરીકે સક્રિય છે. વિશાલએ પડોશમાં રહેતી 15 વર્ષીય કિશોરીને ટેરેસ ઉપર વાત કરવાના બહાને બોલાવી તેનો બળજબરીથી હાથ પકડી તેની છેડતી કરી હતી. કિશોરીના અડપલા કરતા તે હેબતાઈ ગઈ હતી. કિશોરીએ આ અંગે તેના પરિવારને જાણ કરતા આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી હતી. ઉધના પોલીસે વિશાલ પાટીલની સામે ઇપીકો કલમ ૩૫૪ (એ) તથા પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ વિશાલ પાટીલ ભાજપનો સક્રિય કાર્યકર્તા હોવાનું પણ જાણવા મળ્યું છે.

Most Popular

To Top