SURAT

કરોડોના બીટકોઈન પડાવી લેવા સુરતના સરથાણાના યુવકને કિડનેપ કરનાર ફેક CBI ઓફિસર મુંબઈથી પકડાયો

સુરત: (Surat) સરથાણા ખાતે ટૂર એન્ડ ટ્રાવેર્લ્સ (Tour And Travels) ઓપરેટર અને તેના મિત્રનું બીટકોઇનના (Bitcoin) રૂપિયાની લેતીદેતીના વિવાદમાં સાઢુભાઇએ બોગસ સીબીઆઈ અધિકારી (Fake CBI Officer) સાથે મળી અપહરણ (Kidnap) કરી માર માર્યો હતો. ક્રાઈમ બ્રાંચે આ કેસમાં બોગસ સીબીઆઈ અધિકારી સહિત ચારની ધરપકડ (Arrest) કરી હતી.

નાના વરાછા ખાતે જલદર્શન સોસાયટીમાં રહેતા અને ટ્રેડિંગ તથા ટૂર ટ્રાવેલ્સનું ઓનલાઈન ટિકિટ બુકિંગ કરતા 38 વર્ષીય દીપક દેવજી વઘાસીયાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં વિજય રામજી સભાડિયા, ગુણવંત અરુણ રાણપરીયા, ભદ્રેશ રામજી સભાડિયા તથા સી.બી.આઇ.ના અધિકારી તરીકે ઓળખ આપનારા ચાર અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી હતી. ગત 10 તારીખે દીપકનું તેના સાઢુભાઈ વિજય, મિત્ર ગુણવંત રાણપરિયા અને બોગસ સીબીઆઈ અધિકારી સાથે મળી અપહરણ કર્યું હતું. સરથાણા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્ર, મુંબઇ ખાતેથી મુંબઇ અંધેરી ઇસ્ટ ચકાલા કાજુવાડી નજીક આવેલી સમ્રાજ હોટલમાંથી આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપીઓની પૂછપરછ કરતા ભદ્રેશ સભાડિયાએ જણાવ્યું હતું કે, પોતાના મોટાભાઇ વિજયના સાઢુ દીપક સાથે બીટકોઇનની રકમ અંગે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. 10 કરોડના બીટકોઈન લઈ ગયા બાદ તેના રૂપિયા પાછા આપવા માંગતા ન હતા. જેથી પોતાના ઓળખીતા ગુણવંત રાણપરિયાના ઓળખીતા શાહ મુંબઇ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. અને તેના મારફતે સી.બી.આઇ. ઓફિસર તરીકે મુકેશ ઉર્ફે બ્રિજેસીંગ ઉર્ફે બી.એસ.મહારાણા શિવનપ્રસાદ યાદવ તથા બ્રિજભાનસીંગ ગુરુપ્રસાદ યાદવને બોલાવ્યા હતા. અને દીપકનું અપહરણ કરી તેને બીટકોઇન અંગેની ખોટી સ્કીમોના પ્રકરણમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત કુલ 9.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બોગસ સીબીઆઈ કર્મી બિહારથી મુંબઈ ફ્લાઈટમાં આવ્યો
મુકેશ મૂળ બિહારનો વતની છે. તે બે વર્ષથી સીબીઆઈ અધિકારી બનીને ફરે છે. તેની પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમને સી.બી.આઇ.ના વિઝિટિંગ કાર્ડ, સી.બી.આઇ. નામ તથા ડેઝિગ્નેશનવાળો રબર સ્ટેમ્પ અને આઈ કાર્ડ, લોગોવાળું બ્લેઝર મળી આવ્યાં હતાં. અસલ જેવા દેખાતાં કાર્ડ અને સિક્કા જોઈ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ થાપ ખાઈ ગઈ હતી. મુકેશ પટનાથી મુંબઈ ફ્લાઈટમાં આવ્યો હતો. બાદ મુંબઈથી બાય રોડ સુરત આવી રાજહંસમાં તેને ફ્લેટ રાખ્યો હતો. અને દીપકનું અપહરણ કરી ત્યાં જ લઈ ગયા હતા.

કોની કોની ધરપકડ થઈ?
(૧) ભદ્રેશ રામજી સભાડિયા (ઉં.વ.૩૯) (ધંધો-ટ્રાન્સપોર્ટ) (રહે.,લક્ષ્મીકાંત બંગ્લોઝ, કામરેજ તથા મૂળ ભાવનગર)
(૨) ગુણવંત અરુણ રાણપરિયા (ઉં.વ.૩૪) (ધંધો-કન્સ્ટ્રક્શન) (રહે.,પંચરત્ન એવન્યુ, નિકોલ રોડ, અમદાવાદ તથા હાલ રહે., હીમગીરી બંગ્લોઝ, અડાજણ)
(૩) બ્રિજભાનસીંગ ગુરુપ્રસાદ યાદવ (ઉં.વ.૪૧) (રહે.,કીલામોહંમદી નગર, સેક્ટર એન અફીન કોઠી, આશિયાના લખનઉ, ઉત્તરપ્રદેશ)
(૪) મુકેશ ઉર્ફે બ્રિજેશસીંગ ઉર્ફે બી.એસ.મહારાણા શિવનપ્રસાદ યાદવ (ઉં.વ.૨૮) (રહે.,ધમોલ, ટોલાટીટહિયા, પોસ્ટ-ટારગીર, બિહાર)

ગુણવંત અમદાવાદમાં છેતરપિંડીનો આરોપી
ગુણવંત રાણપરિયાએ અમદાવાદ ખાતે ડુપ્લિકેટ આર.સી. બનાવી બેંકમાંથી લોન લઈ છેતરપિંડી કરી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. અને આ કેસમાં પોલીસથી નાસતો ફરતો હતો. ગુણવંત રાણપરિયા વિરુદ્ધ અમદાવાદ, કોલકાતા, ગુરુગ્રામમાં ચેક રિટર્નના કેસો નોંધાયેલા છે.

મુકેશનો આઈપીએસ, આઈએએસ અને રાજકારણીઓ સાથે ઘરોબો
આરોપી મુકેશ સી.બી.આઇ. ઓફિસર તરીકે પોતાની ઓળખ આપતો હતો. મોટા મોટા રાજકારણીઓ તથા આઇ.એ.એસ. તથા આઇ.પી.એસ. ઓફિસરો સાથે ઓળખ-પરિચય કેળવી તેઓ સાથે ફોટા પડાવી પોતે પણ સી.બી.આઇ. ઓફિસર તરીકે પોતાની ઓળખ આપી અન્ય લોકોને છેતરતો હતો. આ કેસમાં પણ દીપકની વિરુદ્ધ અરજી કરી હતી. તે અરજી બતાવી તેને ધમકાવ્યો હતો.

દીપક પાસે બીટકોઈનના 50-100 કરોડ મળશે તેવી આશા હતી
વિજય અને ભદ્રેશને દીપક પાસે બીટકોઈનના 50-100 કરોડ રૂપિયા મળશે તેવું હતું. જેથી તેમને સીબીઆઈનો ડર બતાવી તેની પાસેથી રૂપિયા ખંખેરી લેવાનો પ્લાન બનાવ્યો હતો. મુકેશનો સંપર્ક કરી પહેલા દીપકની વિરુદ્ધ સીબીઆઈના નામની અરજી આપી હતી. અને બાદ મુકેશે અપહરણ કરવા ગયા ત્યારે આ અરજી બતાવી હતી. અને તેના આધારે કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી.

Most Popular

To Top