Surat Main

સુરતના તબીબી શિક્ષકોએ સાયકલ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યો: ડીન ઓફિસ બહાર ધરણા

સુરત: (Surat) તબિબિ શિક્ષકોના પડતર પ્રશ્નોને લઇને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો આજે સાયકલ રેલી (Bicycle rally) કાઢીને વિરોધ (Protest) પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ડીન ઓફિસની બહાર ધરણા ઉપર બેસીને વિરોધ કરવામાં આવ્યો હતો. ગુરુવારે માત્ર દેખાવો કરીને તબીબી કામકાજ ચાલુ રખાયુ હતુ પરંતુ આવતીકાલથી કોવિડ હોસ્પિટલમાં પણ તબીબી શિક્ષકો કામથી દૂર રહેવાનું કહેતા મામલો ગરમાયો છે. સરકાર દ્વારા બંધ કરાયેલા લાભોને શરૂ કરવા માટે હવે ડોક્ટરો (Doctors) આંદોલનના મુડમાં છે.

આ બાબતે ડો.પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આજદિન સુધી તબીબી શિક્ષકોના તમામ વ્યાજબી અને ન્યાયિક પ્રશ્નો વિભાગ દ્વારા હલ કરવામાં આવ્યા નથી. કોવિડ-19 મહામારીમાં નિરંતર સેવા બજાવ્યા છતાં તબીબી શિક્ષકોના પ્રશ્નો અંગે ચર્ચા પણ કરવામાં આવતી નથી. તબીબોએ કેટલીક માંગણીઓ કરી છે જે પૈકી તમામ એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનીયમિત કરવામાં આવે. એક જ સ્થાયી ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવે, રેગ્યુલર તબીબી શિક્ષકોની બાકી રહેલ સેવા વિનીયમિત અને સેવા સળંગના ઓર્ડર કરવામાં આવે એવી તબીબી શિક્ષકોની માંગણી છે.

2017થી 7માં પગાર પંચ મુજબ નવા NPA અને પર્સનલ પે મંજુર કરવામાં આવે અને પગારની મહત્તમ મર્યાદા 2017ના ઠરાવ મુજબ રૂ. 2,37,500 કરવામાં આવે, આ ઉપરાંતની તમામ માંગણીઓને લઇને ડોક્ટરો દ્વારા ગુરુવારે સાયકલ રેલી કાઢવામાં આવી હતી. આ ઉપરાંત ડોક્ટરોએ ડીન ઓફિસની બહાર ધરણાં ઉપર બેસીને વિરોધ કરવામાં આવ્યો હતો. તબીબી શિક્ષકોની માંગણી સ્વીકારાય નહીં ત્યાં સુધી એસોસિએશન જે નિર્ણય લેશે તેનો અમલ કરીને લડત આપતા રહીશું તેવું તબીબી શિક્ષકોએ જણાવ્યું હતું.

Most Popular

To Top