સુરત : વૈશ્વિક મંદી, યાર્નનાં વધતાં ભાવ અને છેલ્લા એક વર્ષથી નબળી ડિમાન્ડને પગલે નાયલોન વિવર્સને મીટર કાપડે એકથી બે રૂપિયાનું નુકશાન થતાં વિવરો પોતાના મશીનો બંધ કરી રહ્યાં છે, ઘણાં વિવરો નાયલોન યાર્ન સિવાયના અન્ય યાર્નમાંથી બનતું કપડું બનાવવા મજબૂર બન્યાં છે.
- યાર્નનાં વધેલા ભાવને લીધે એક વર્ષથી નુકશાની વેઠી રહેલા નાયલોન વિવર્સે 20% યુનિટ બંધ કર્યા
- નબળી ડિમાન્ડના કારણે કેટલાક નાયલોન વિવરોએ બીજા યાર્નમાંથી કાપડ બનાવવા નવી મશીનરી વસાવી
નાયલોન યાર્ન વિવર્સ (Nylon Weavers) એસોસિએશનનાં પ્રમુખ મયુર ચેવલીએ જણાવ્યું હતું કે, હાલમાં ન કહેવાય કે ન સહેવાય એવી સ્થિતી વચ્ચે શહેરના ઘણાં વિવરો કે જેઓ ભાડેથી ખાતા રાખી મશીનો ચલાવી રહ્યાં હતાં. તેમણે હાલની સ્થિતિ જોઈ મશીનરી બંધ કરી છે. જે વિવરો પોતાની માલિકીના ખાતાઓ ધરાવે છે તેઓ પોતાના મશીનો ઉપર બજારમાં ચાલી રહેલી માંગણી મુજબ પોલીએસ્ટરની ક્વોલીટી બને એવા કમ્પોનન્ટ લગાવી રહ્યાં છે.
નાયલોન યાર્નમાંથી બનાવતાં ગ્રે કાપડની બજારમાં કોઈ ખાસ માંગ નથી. તેમ છતાં નાયલોન યાર્નના ભાવો સ્પીનરો કાર્ટલ રચીને ભાવ વધારી રહ્યાં છે. બજારમાં માંગ નહીં હોવાને કારણે ડિમાન્ડ એન્ડ સપ્લાયની ચેઈન ફરતી નહીં હોવાથી નાયલોન વિવરો મશીનો બંધ કરી ઉત્પાદનમાં સીધો કાપ મૂકી રહ્યાં છે.
વિવર્સ અગ્રણી મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, 10 -12 સ્પીનરો વિવરોની ડિમાન્ડ પહોંચી વળતાં નથી અને બીજી તરફ કૃત્રિમ રીતે નાયલોન યાર્નમાં ભાવો વધારી વિવરોનું શોષણ કરી રહ્યાં છે. સ્પીનરો નાયલોન યાર્નનું ઉત્પાદન શહેરના વિવરોની માંગણી મુજબ કરી રહ્યાં નથી. જેને લીધે વિવરો આયાતી નાયલોન યાર્ન પર નિર્ભર છે. હાલ 5.50 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી લાગુ છે અને 15 ટકા ડ્યુટી વધે તેવી રજૂઆત સ્પીનરોએ કેન્દ્ર સરકારને કરી છે.
આ મામલે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી, નાણાં મંત્રી અને ફિઆસ્વીને રજૂઆત કરી ચેતવ્યા છે કે જો કસ્ટમ ડ્યુટી વધશે તો નાયલોન યાર્નની મશીનરી ભંગારમાં વેચવી પડશે. વાર્ષિક ધોરણે એફડીવાયમાં સ્પીનરોનું ઉત્પાદન 78000 ટન છે અને વીવીંગ ઈન્ડસ્ટ્રીમાં 86400 ટન યાર્નની ખપત વાર્ષિક થાય છે. આ સામાન્ય ગણતરી સ્પષ્ટ કરી આપે છે કે સ્પીનરો સુરતના નાયલોન વિવરોની જ ખપત પુરી કરવા સક્ષમ નથી.
મહત્વની વાત એવી છે કે સ્પીનરો કૃત્રિમ તેજીનો માહોલ રચી યાર્નના ભાવો વધારી રહ્યાં છે, વિવરો સ્પિનર્સની સિન્ડિકેટથી વાકેફ છે જેને કારણે ક્વોલીટી બદલી રહ્યાં છે. આયાતી નાયલોન યાર્નની માત્ર 10થી 12 ટકા જેટલું જ ભારત આવે છે. ત્યારે બેઝિક કસ્ટમ ડ્યુટી નથી લાગી તે પહેલાં આવા હાલ છે. તો સ્પીનરોએ ચલાવેલી ડ્યુટી વિષયક હિલચાલથી ડ્યુટી વધી જાય તો સ્પીનરોને ફાવતું મળી જશે.