બારડોલી: (Bardoli) બારડોલી-કડોદરા રોડ (Road) પર ગાર્ડન સેન્ટર નર્સરી નજીક અજાણ્યા ટેમ્પોચાલકે મોટરસાઇકલને (Motorcycle) પાછળથી ટક્કર મારતાં મોટરસાઇકલ સવાર દંપતી નીચે પટકાયું હતું. જે પૈકી પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવી હતી.
- બારડોલીમાં ભત્રીજાના લગ્નમાં આવી રહેલા ફોઈ-ફૂવાને અકસ્માત, ફૂવાનું મોત
- બારડોલી-કડોદરા રોડ પર ગાર્ડન સેન્ટર નર્સરી નજીક અજાણ્યા ટેમ્પોચાલકે બાઇકને અડફેટે લીધી
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ખાતે રહેતાં તરુલતાબેન અશોકભાઈ મૈસુરિયા બારડોલીની નવદુર્ગા સોસાયટીમાં રહેતા તેમના ભત્રીજા રોહનભાઈ મૈસુરિયાના 31મી જાન્યુઆરીનાં રોજ લગ્ન હોય તેઓ રવિવારે સાંજે પોતાના પતિ અશોકભાઈ દલપતભાઈ મૈસુરિયા (ઉં.વ.47) સાથે મોટરસાઇકલ પર બારડોલી આવવા માટે નીકળ્યાં હતાં. કડોદરા-બારડોલી રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં, એ સમયે બારડોલીમાં પ્રવેશતા જ ગાર્ડન સેન્ટર નર્સરી પાસે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટેમ્પોએ તેમની મોટરસાઈકલને ટક્કર મારી દીધી હતી.
આ અકસ્માતમાં પતિ-પત્ની નીચે પટકાયાં હતાં, જેમાં અશોકભાઈને ગંભીર ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની તરુલતાબેનની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની આ ઘટનાથી પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. પોલીસે અજાણ્યા ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કડોદરા ચાર રસ્તા પાસે વેચેલી ગેસની બોટલ પરત કરતાં ચપ્પુ વડે હુમલો
પલસાણા: પલસાણાના ચલથાણ ગામે રહેતા એક યુવકે એક ગેસ દુકાનદારને બે બોટલ ગેસનું વેચાણ કર્યુ હતું. જેના રૂપિયાની લેતીદેતી બાબતે દુકાનદારે બે માલધારી ઇસમને સાથે ચલથાણના યુવકને ચા૨ ૨સ્તા પાસે બોલાવ્યો હતો. જ્યાં ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં કડોદરા પોલીસે ૩ ઇસમ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર પલસાણાના ચલથાણ ગામે સુગર ફેક્ટરીની બાજુમાં કીકલા ડેરી ફાર્મમાં રહેતા ક્રિપાલસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ (ઉં.વ.૨૯) આશાપુરા એન્ટરપ્રાઇઝ નામે ૧૯ કિલોના ગેસની બોટલનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. દરમિયાન ચલથાણ ગામે પુનેરી મીશળ નામની દુકાનના માલિકને ૮૦૦૦ રૂપિયામાં બે કોમર્શિયલ બોટલો આપી હતી. ત્યારબાદ દુકાનદારે દુકાન બંધ કરતાં ફરી એક ખાલી બોટલ અને એક ભરેલી બોટલ પરત ક્રિપાલભાઇને આપી તેમની પાસેથી ૮ હજાર રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે ક્રિપાલસિંહે ખાલી બોટલના રૂપિયા આપવાની ના કહેતાં બંને વચ્ચે ૨કઝક થઈ હતી.
દરમિયાન દુકાનદાર રાજેન્દ્રભાઇએ ગતરોજ ચામુંડા હોટલની બાજુમાં આવેલી ગલીમાં આવી ત્યાં હાજર કિશન ભરવાડ પાસેથી ક્રિપાલસિંહને ફોન કરાવ્યો હતો. ત્યારે કિશન ભરવાડે ફોન પર ધમકી આપી ગાળાગાળી કરી હતી. અને ક્રિપાલસિંહે ફોન મૂકીને ચામુંડા હોટલ પાસે આવેલી ગલીમાં ગયો હતો. જ્યાં પહેલેથી હાજર કિશન ભરવાડ તેમજ વિક્રમ ભરવાડે તેને ઘેરી લીધો હતો. ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઇ તેઓએ રાજેન્દ્ર, કિશન ભરવાડ તેમજ વિક્રમ ભરવાડની સામે કડોદરા જીઆઇડીસી પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે.