SURAT

સુરતીઓ કોઈ મુશ્કેલીને નથી ગાંઠતા: સુરતમાં વર્ષ 2021-22માં રેકોર્ડ બ્રેક આટલા વાહનો વેચાયા

સુરત: (Surat) કોરોના સંક્રમણનાં વર્ષ પછી નાણાકીય વર્ષ 2021-22માં સુરતની ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં (Automobile Industry) તેજી જોવા મળી છે. સુરત આરટીઓ દ્વારા રાજ્યના વાહન વ્યવહાર વિભાગને મોકલવામાં આવેલા આંકડા પ્રમાણે સુરતની કુલ વસતીના હિસાબે પ્રત્યેક પરિવાર પાસે બેથી વધુ વાહનો (Vehicle) હોઈ શકે છે. કારણ કે, સુરતમાં કુલ વાહનોની સંખ્યા 36,82,200 નોંધાઇ છે. સુરતમાં નાણાકીય વર્ષ 2021-22માં 1,31,377 વાહનોનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. એક વર્ષના ટૂંકા ગાળામાં સુરતમાં 80,686 બાઇક, 23,537 કાર અને 1627 ઓટો રિક્ષાનું વેચાણ થયું હોવાનું નોંધાયું છે. એક એવરેજ પ્રમાણે સુરતમાં રોજ 250 ટુ વ્હીલર અને 60 કારનું વેચાણ થાય છે. નાણાકીય વર્ષ 2020-21માં સુરતમાં 81800 ટુ વ્હીલર અને 19106 કારનું વેચાણ થયું હતું. સુરતમાં ઓટો રિક્ષાની કુલ સંખ્યા 1,10,019 થઈ છે. એસટી બસની સંખ્યા 944 કરતાં ખાનગી લક્ઝરી બસની સંખ્યા વધુ છે. જે 2421 નોંધાઇ છે.

  • સુરતમાં વર્ષ 2021-22માં રેકોર્ડ બ્રેક 1.31 લાખ વાહન વેચાયા
  • એક વર્ષના ટૂંકા ગાળામાં 80,686 બાઇક, 23,537 કાર અને 1627 ઓટો રિક્ષાનું વેચાણ થયું
  • કુલ વાહનોની સંખ્યા 36.82 લાખ થઈ, વસતી પ્રમાણે દર એક પરિવાર વચ્ચે 2થી વધુ વાહન

2021-22માં અંદાજે 4000 કરોડનાં વાહનોનું વેચાણ થયું
સુરત આરટીઓમાં વાહનોની નોંધણીના આંકડાઓ પરથી વાહનોની એવરેજ કાઢવામાં આવે તો સુરતમાં 2021-22ના વર્ષમાં 4000 કરોડથી વધુ કિંમતનાં વાહનોનું વેચાણ થયું હતું. 2020-21માં કોરોનાને લીધે વાહનોનું વેચાણ અને આરટીઓની આવક ઘટી હતી. 2021-22ની તુલનાએ ગત નાણાકીય વર્ષમાં એટલે કે, 2020-21માં માત્ર 760 કરોડનાં વાહન વેચાયાં હતાં. 2021-22માં 4538 ઇલેક્ટ્રિક વ્હીકલ સુરતમાં વેચાયાં છે. જે રાજ્યમાં સર્વાધિક છે.

  • સુરતમાં વાહનોની કુલ સંખ્યા
  • કાર-5,11,327
  • મોટરસાઇકલ-બાઇક-25,11,827
  • ઓટો રિક્ષા-1,10,019,
  • મોપેડ-3,47,132
  • સ્કૂલ વાહન-1834,
  • એસટી બસ-944
  • પ્રાઇવેટ લક્ઝરી બસ-2421
  • જીપ-24,545

Most Popular

To Top