સુરત(Surat): પાટીદાર (Patidar) નેતા અને વ્યવસાયે વકીલ અલ્પેશ કથિરીયાને (Alpesh Kathiriya) જાહેરમાં એક રીક્ષા ચાલકે (Auto Rikshaw Driver) લાકડાના ફટકાથી માર માર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આજે સવારે બનેલી આ ઘટનામાં અલ્પેશ કથીરિયાએ અજાણ્યા રીક્ષા ચાલકે સામે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ કેસની મળતી વિગત અનુસાર પાટીદાર આંદોલનના અગ્રીમ હરોળના નેતા અને વ્યવસાયે વકીલ એવા અલ્પેશ કથીરીયા પરિવાર સાથે સવજી કોરાટ બ્રિજની બાજુમાં આવેલી તાપી દર્શન સોસાયટીના વિભાગ 2માં રહે છે. આજે તા. 20મી સપ્ટેમ્બરના રોજ અલ્પેશ કથીરિયા પોતાની મોટર સાયકલ (જીજે-05-પીજે-8435) પર સવારે 8.30 કલાકે ઘરેથી નીકળ્યા હતા.
તેઓ સ્મીમેર હોસ્પિટલ જઈ રહ્યાં હતાં ત્યારે લગભગ પોણા નવેક વાગ્યાના અરસામાં તેઓ પોતાની મોટર સાયકલ પર ચીકુવાડી બીએપીએસ સ્વામીનારાયણ મંદિરની સામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે મોટર સાયકલની આગળ એક રીક્ષા (જીજે-38-ડબ્લ્યુ-3148) દોડી રહી હતી જેનો ચાલક ખૂબ જ ગફલતભરી રીતે અને વાંકી ચૂકી રીક્ષા ચલાવતો હતો જેના લીધે અલ્પેશ કથીરિયા બેથી ત્રણ વાર બચી ગયા હતા. તેથી મોટર સાયકલ આગળ લઈ જઈ અલ્પેશ કથીરિયાએ રીક્ષા ચાલકને રીક્ષા સરખી રીતે ચલાવવા ટકોર કરી હતી.
તેથી રીક્ષા ચાલક ગુસ્સે ભરાઈ ગયો હતો અને તાડૂકતા કહ્યું હતું કે, ‘તને મારી રીક્ષા અડી છે અડે ત્યારે કે જે..’, ત્યાર બાદ બંને વચ્ચે જીભાજોડી થઈ હતી. ગુસ્સે ભરાયેલા રીક્ષા ચાલકે તેની રીક્ષા સ્વામીનારાયણ મંદીરની સામે બ્રિજ ચડે તે પહેલાં રસ્તા વચ્ચે ઉભી કરી દીધી હતી અને અલ્પેશ કથીરિયા તરફ ધસી જઈ ગુસ્સામાં બોલ્યો હતો કે ”તું અહીંથી ચાલ્યો જા નહીંતર ઘોદા ઘાલી દઈશ”, અને ત્યાર બાદ રીક્ષાની પાછલી સીટની પાછળથી લાકડાનો ફટકો લાવી અલ્પેશ કથીરિયાના ડાબા ખભાના ભાગે તથા પીઠ પર માર્યો હતો. તેથી લોકટોળું ભેગું થઈ ગયું હતું અને તેના હાથમાં ફટકો ખેંચી લીધો હતો. ત્યારે અલ્પેશ અને રીક્ષા ચાલક વચ્ચે ઝપાઝપી થઈ હતી. લોકટોળાએ પણ રીક્ષા ચાલકને ટપલી દાવ શરૂ કર્યો હતો જેના લીધે રીક્ષા ચાલક ભાગ્યો હતો.
રીક્ષા ચાલકે નજીકમાં પાર્ક કરેલી બાઈક પર મુકેલા દૂધના કેનનું ઢાંકણું લઈ ફરી અલ્પેશ કથીરિયાને મારવાનો પ્રયાસ કર્યો હતો અને ગંદી ગાળો દીધી હતી. દરમિયાન ટોળું ભેગું થઈ જતા તે સીએનજી પંપ તરફ દોડીને ભાગી ગયો હતો. અલ્પેશ કથીરિયાએ ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ આ સમગ્ર ઘટના અંગે વાકેફ કરી કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.