SURAT

સુરત: પહેલાં ચપ્પુ લઈ પાછળ દોડ્યા પછી ઘરમાંથી ખેંચી યુવકને માર્યો, ગુંડાગર્દીનો વીડિયો વાયરલ

સુરત(Surat) : સુરતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના રાંદેર વિસ્તારમાં ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય રહ્યું છે તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં લૂંટફાટ, મારપીટના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. શહેરના લિંબાયત વિસ્તારની હાલત તો સૌથી ખરાબ છે. અહીં ટપોરી, લુખ્ખા અસામાજિક તત્વો પોલીસનો ડર રાખ્યા વિના જાહેરમાં ગુંદાગર્દી કરી રહ્યાં છે. માથાભારે ઈસમોના આતંકનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) ઝડપથી વાયરલ (Viral) થઈ રહ્યો છે, જેમાં કેટલાંક ગુંડાઓ એક યુવકને ઘરમાંથી બહાર ખેંચીને નિર્દયતાથી મારતા હોવાનું જોવા મળી રહ્યું છે.

  • સુરતના લિંબાયતના સરદાર નગર વિસ્તારની ઘટના
  • જાહેર માર્ગ પર ફિલ્મી સ્ટાઈલમાં ટપોરીઓ હથિયાર લઈ યુવક પાછળ દોડ્યા
  • સમીર અને સોહેલ નામના ઈસમોએ શકીલ નામના યુવક પર ચપ્પુથી હુમલો કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો લિંબાયતના સરદાર નગર વિસ્તારનો છે. અહીં છેલ્લાં કેટલાંક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. સમીર અને સોહેલ નામના લુખ્ખાઓ અહીં બેફામ બન્યા છે. બંને જણા કોઈનો પણ ડર કે શેહ શરમ રાખ્યા વિના અવારનવાર લોકો સાથે મારપીટ કરતા હોવાના કિસ્સા બનતા રહે છે ત્યારે મંગળવારે રાત્રે આ બંને જણાએ શકીલ નામના એક વ્યક્તિ પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેટલાંક ઈસમો એક યુવકની પાછળ દોડી રહ્યાં છે. તીક્ષ્ણ હથિયારો સાથે ઝનૂનપૂર્વક આ ઈસમો પેલા યુવક પાછળ દોડી રહ્યાં છે ત્યારે યુવક એક ઘરમાં જતો રહે છે, ત્યારે ઘરની બહાર ટપોરી ઈસમો મોટી સંખ્યામાં ભેગા થઈ જાય છે અને ત્યાર તે યુવકને ઘરમાંથી બહાર ખેંચે છે. આ ખેંચતાણમાં યુવકના કપડાં પણ ફાટી જાય છે, છતાં ઝનૂનપૂર્વક ટપોરીઓ તે યુવકને ઢીકમુક્કાનો માર મારે છે અને ત્યાર બાદ બહાર રસ્તા પર ખેંચી લઈ તેની પર જીવલેણ હુમલો કરી દે છે. આ ઝપાઝપીમાં તે યુવકના કપડાં પણ ફાટી જાય છે. આ વીડિયો ફૂટેજના આધારે લિંબાયત પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top