સુરત: રાજ્ય સરકાર દ્વારા સુરતના હિન્દુ-મુસ્લિમ (Hindu-Muslim) મિશ્રિત વસતીઓમાં કોઈ એક કોમ દ્વારા અતિક્રમણ નહીં કરાય તે હેતુથી કેટલાંક વિસ્તારોમાં અશાંતધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ છાશવારે આ કાયદાનો ભંગ થતો રહ્યો છે. બંને કોમ દ્વારા એકબીજાના મકાનો પચાવી પાડવાનો ખેલ કરવામાં આવતો રહ્યો છે. તાજેતરમાં અડાજણમાં મુસ્લિમ વિસ્તારમાં અશાંતધારાના ભંગ થઈ રહ્યો હોય કલેક્ટરે નવા એપાર્ટમેન્ટના બાંધકામની પરવાનગી રદ કરી હતી. જ્યારે શુક્રવારે સુરત મનપાએ શહેરના જૂના વિસ્તારમાં અશાંતધારાનો ભંગ કરી તાણી દઈ વસવાટ શરૂ કરી દેવાયાના કિસ્સામાં બિલ્ડિંગ તોડી પાડવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોનમાં નગરશેઠની પોળવાળી ગલીમાં અશાંતધારાનો ( Surat Ashantdhara) ભંગ કરી ગેરકાયદે તાણી બંધાયેલા ચાર માળના એપાર્ટમેન્ટનું આખરે સેન્ટ્રલ ઝોનના તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન (SMC Demolition ) શરૂ કરાયું છે. વડાચૌટા ખાતે ચાર-ચાર વખત ડિમોલિશન કરવા છતાં તાણી બંધાયેલા રોયલ હાઇટ્સ નામના બાંધકામમાં મનપાનું તંત્ર ડિમોલિશન કરવા પહોંચ્યું તો અહીં રહેતા લોકો અંદરથી ફ્લેટના દરવાજા બંધ કરી બેસી ગયા હતા. જો કે, મનપા દ્વારા ઉપરના માળ તેમજ પાર્કિંગથી ડિમોલિશન ચાલુ કરી દેવાયું હતું. અહીં ચાર માળમાં દરેક માળે બે-બે ફ્લેટ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણ દુકાનો પણ પ્લાન પાસ કર્યા વગર જ તાણી બંધાઇ છે.
મનપા તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૧૧(નાણાવટ), નોંધ નં.૬૧૯,૬૨૦ તથા ૧૧૮૩૨નાં મિલકતદારો નયનાબેન પટેલ તથા અન્યો દ્વારા સુરત મહાનગરપાલિકાની કોઈપણ મંજૂરી લીધા વિના બાંધકામ કરી દીધું હોવાથી અગાઉ ચાર વખત ગેરકાયદે બાંધકામ દૂર કરવા છતાં મિલકતદારો દ્વારા બાંધકામ કરી દેવાયું હતું. જો કે, આ મિલકતમાં અશાંતધારા હેઠળ કોર્ટમાં પણ ફરિયાદ થઇ છે. મિલ્કતદાર હિન્દુ પરંતુ મકાન બાંધનાર અન્ય કોમના હોવાની ફરિયાદ થઈ હતી.
તેમજ મનપા દ્વારા મિલકતને સીલ કરવામાં આવી તો ફ્લેટધારકોએ સીલ દૂર કરી મિલકતમાં વસવાટ શરૂ કરી દીધો હતો. તેથી શુક્રવારે પોલીસ વિભાગનો સ્ટાફ, સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી સ્ટાફની મદદથી ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ચોથા માળે આશરે 500 ચો.ફૂટ આર.સી.સી. સ્લેબ તથા ગ્રાઉન્ડ ફ્લોરમાં ૩ દુકાન તેમજ આશરે ૧૫૦૦ ચો.ફૂટ ચણતર દૂર કરવામાં આવ્યું હતું.
અગાઉ અડાજણના 125 કરોડના આ પ્રોજેકટની વિકાસ પરવાનગી રદ્દ કરાઈ
(Surat) અડાજણના ગોરાટ વિસ્તારમાં મુસ્લિમ ભાગીદારો હોવાની વિગતો છુપાવીને અશાંતધારો (Ashant Dhara) લાગુ હોવા છતાં હિન્દુ (Hindu) ભાગીદારોના નામે અરજી કરી પ્રોજેકટની પરવાનગી લેનાર ‘રેહાન હાઈટ્સ’ નામની બિલ્ડિંગનો પરવાનો (Building permission) રદ્દ કરી દેવાની સાથે બાંધકામ (Construction) અટકાવવા માટે કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. રેહાન હાઈટ્સ નામનો આ પ્રોજેકટ લગભગ 125 કરોડનો પ્રોજેકટ હોવાનું મનાઈ રહ્યું છે. આ પ્રોજેકટમાં અત્યાર સુધીમાં 3 ટાવર ઊભા પણ કરી દેવામાં આવ્યા છે. ગોરાટ હનુમાનજી ક્ષેત્ર સંવર્ધક સમિતી દ્વારા ફરિયાદ કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા અશાંત ધારા હેઠળ જગ્યાને ડેવલપ કરવાની અપાયેલી પરવાનગી રદ કરી દેવામાં આવી હતી.