ગાંધીનગરઃ (Gandhinagar) આસારામને (Asaram) બળાત્કારના કેસમાં (Rape Case) દોષી ઠેરવવામાં આવ્યા છે. આજે ગાંધીનગર એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે (Court) આસારામ વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. વર્ષ 2013માં આસારામ સામે સુરતની એક યુવતી દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા છે. બીજી તરફ અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. હવે આસારામની સજાની જાહેરાત આવતીકાલે (31 જાન્યુઆરી) થશે. આસારામને આજે વર્ચ્યુઅલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે 2013ના કેસમાં આસારામ પર સુરતની એક યુવતીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો જ્યારે તેની નાની બહેને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ નાની બહેન દ્વારા કરાયેલી ફરિયાદ અંતર્ગત નારાયણ સાંઈ સામે સુરતની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આસારામ ઉપરાંત તેમની પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી અને ચાર મહિલા અનુયાયીઓ ધ્રુવબેન, નિર્મલા, જસ્સી અને મીરા આ કેસમાં આરોપી છે.
જણાવી દઈએ કે આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. આસારામને દુષ્ક્રમના અન્ય એક કેસમાં કરાઈ હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં પણ આસારામ સામે કેસ ચાલી રહ્યો છે. જોકે આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. હવે આવતી કાલે કોર્ટ દુષ્કર્મના કેસમાં આસારામને સજા સંભળાવશે.