સુરત: દિવાળી વેકેશન (Diwali Vacation) પૂરું થયા બાદ સુરત (Surat) શહેરના છેવાડે આવેલી અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં (Anjani Industrial Estate) કેટલાંક અસામાજિક તત્વોની ધમકીના લીધે વીવર્સે (Weavers) કાપડના કારખાનાં બંધ કરી દીધા છે, જેના પગલે કારીગરો (Workers) કફોડી સ્થિતિમાં મુકાયા છે. કારખાના બંધ હોવાના લીધે કારીગરોને રોજગારી મળી રહી નથી, જેના લીધે તેઓ આર્થિક મુશ્કેલી તરફ ધકેલાઈ રહ્યાં છે, ત્યારે આજે અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કારીગરોએ કાગળીયાં ચોંટાડી કારખાનેદાર વીવર્સ માલિકોને કારખાના ફરી શરૂ કરવા વિનંતી કરી હતી.
લગભગ છેલ્લાં દસેક વર્ષથી સાયણ-ગોથાણ પાસે આવેલી અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિવાળી વેકેશન બાદ વીવર્સ અને કારીગરો વચ્ચે સંઘર્ષનો માહોલ જોવા મળે છે. દિવાળી વેકેશન પૂરું થાય અને કારખાના ફરી શરૂ થવાની તૈયારીમાં હોય ત્યારે મજૂરીના દર વધારાની માંગણી સાથે કારીગરો હડતાળ પર ઉતરી જતા હોય છે. કેટલાંક માથાભારે તત્ત્વો ધાકધમકી, હથિયારો બતાડી જબરદસ્તી કારખાના બંધ કરાવે છે, જેના લીધે વીવર્સ અને કામ કરવા માંગતા કારીગરોને સહન કરવાનો વારો આવે છે.
દિવાળી વેકેશન બાદ આ પ્રકારનો સંઘર્ષ એક પરંપરા બની ગયો હોય હવે વીવર્સ થાક્યા છે. આ વખતે જ્યારે બંદૂકની અણીએ કેટલાંક માથાભારે તત્વોએ કારખાના બંધ કરાવ્યા ત્યારે વીવર્સે કારખાનાઓ પર તાળાં જ મારી દીધા હતા અને હવે કામ શરૂ જ નથી કરવું તેવું વલણ અપનાવ્યું હતું, જેના પગલે અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સન્નાટો જોવા મળ્યો હતો. વીવર્સના કામકાજ બંધ કરવાના અભિગમના લીધે કામ કરવા માગતા કારીગરો ભીંસમાં મુકાયા છે અને તેઓએ હવે એક જાહેર પત્ર અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઠેરઠેર ચોંટાડી કારખાના શરૂ કરવા માંગણી કરી છે.
શું લખ્યું છે કારીગરોએ પત્રમાં?
હમ કારીગર લોગ પરિવાર કે સાથ મેં રહતે હૈ, હમે ભાવ કે સાથ કોઈ અસંતોષ નહીં હૈ, હમ સબ કો પગાર મિલ રહા હે. ધમકીભરે પોસ્ટર લગને સે હમારે પેટ પર લાત લગી હે. ઈન બાતો સે હમારી રોજગારી છીન રહી હે. હમ કો મિલ રહે રોજગાર સે હમ સબ કો પુરી તરહ સે સંતોષ હે. ઈસલિયે કારખાને કે માલિકો કો હમારી બિનંતી હે કી કારખાને જલ્દી સે શુરૂ કરે. જિન સે હમારા ગુજરાન હો સકે. હમ સબ કો હાલ હી મિલ રહે ભાવ સે કોઈ અસંતોષ નહીં હે. જલ્દ સે જલ્દ કારખાને શરૂ કરે એસી બિનતી હે. – આપકે વિસ્તાર કે કારીગર.