SURAT

અલથાણ: કેશવ હાઇટ્સના બીજા માળે આગ લાગતા ભાગદોડ મચી, 35થી 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

સુરત: અલથાણ કેનાલ રોડ સ્થિત કેશવ હાઇટ્સના રામેશ્વર B વિંગમાં ઓચિંતી આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, એક બાદ એક ફ્લેટમાં આગ પસરી જતા રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી એપાર્ટમેન્ટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું, આ સાથે જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આ દુર્ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

શુક્રવારે રાત્રે અલથાણ કેનાલ રોડ સ્થિત કેશવ હાઈટ્સના રામેશ્વર B વિંગના બીજા માળે કોઈ કારણોસર આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે બીજા માળ પર આવેલા અન્ય ફ્લેટ્સ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. અચાનક જ આગ લાગતા એપાર્ટમેન્ટના રહીશો ગભરાઈ ગયા હતા. 10 માળનું એપાર્ટમેન્ટ હોવાના કારણે એપાર્ટમેન્ટમાં લોકોની સંખ્યા પણ ખૂબ વધારે હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બિલ્ડિંગમાંથી ખૂબ મોટા પ્રમાણમાં સ્મોક પણ નીકળવાનો શરૂ થઈ ગયો હતો.

એક બાદ એક પાંચ ફ્લેટમાં આગ પ્રસરી
મળતી માહિતી અનુસાર ફ્લેટ નંબર 201,202,203,204 અને 301 સુધી આગ પ્રસરી ગઈ હતી. જેના કારણે ફ્લેટ્સમાં રહેતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવતા ફાયર વિભાગની 7-8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. એક બાદ એક ફ્લેટમાં આગ પ્રસરી રહી હતી. જ્યારે આગની ઝપેટમાં 301 નંબરનો ફ્લેટ આવે તે પહેલા ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો.

35થી 40 લોકોનું રેસ્ક્યું કરાયું
ફાયર વિભાગે આગમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક તરફ ફાયરના જવાનાએ એપાર્ટમેન્ટના બીજા માળે લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. તો બીજી તરફ આગમાં ફસાયેલા 35થી 40 લોકોને ફાયરના જવાનો ટેરેસ પર લઈ ગયા હતા. જવાનો દ્વારા બીજા અને ત્રીજા માળના પરિવારને ટેરેસ પર એકઠા કરી દેવાયા હતા. બાળકો અને વૃદ્ધો સહિત 30થી 40 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આગ પર કાબૂ મેળવાયા બાદ લોકોને ધીમે ધીમે એપોર્ટમેન્ટના નીચે ઉતારવામાં આવ્યા હતા. જેમાં ઠ્ઠા માળે એક વૃદ્ધને પગમાં ફેક્ચર થયું હતું તેમને પણ ફાયર વિભાગના લોકો નીચે લઈ આવ્યા હતા.

બે લોકોને પહોંચી ઈજા
કેશવ હાઇટ્સના રામેશ્વર B વિંગના બીજા માળે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જો કે આ દુર્ઘટનામાં બે લોકોને ઈજા થઈ હતી. જ્યારે આગ બીજા ફ્લોર પરથી આગ ત્રીજો ફ્લોર ઉપર પણ પ્રસરી રહી હતી ત્યારે ત્રીજા માળના બારીના કાચ તૂટતા બે લોકોને ઈજા થઈ હતી. જોકે આગ વધુ પ્રસરે તે પહેલા જ ત્રીજા માળના 301 નંબરના ફ્લેટમાં જ ફાયરવિભાગે આગને કાબુમાં લઈ લીધી હતી.

ફાયર વિભાગના અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર શુક્રવારે રાત્રે કેશવ હાઇટ્સના રામેશ્વર B વિંગના બીજા માળે આગ લાગી હતી. ઘટનાની જાણકારી મળતા જ આગને કાબૂમાં મેળવવા માટે વેસુ, મજૂરા, નવસારી બજાર, માનદરવાજા, અડાજણ, પાલનપુર સહિતની ગાડીઓ પહોંચી હતી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ બીજા માળના બંધ મકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જોત જોતામાં ત્રીજા માળે ફ્લેટ નંબર 301 નંબરમાં પ્રસરી ગઇ હતી.

Most Popular

To Top