ઉમરગામ: (Umargaam) વલસાડ એલસીબી પોલીસે (Valsad LCB Police) બાતમીના આધારે ભીલાડમાંથી દારૂ (Alcohol) ભરીને જતુ ટેન્કર ઝડપી પાડ્યું હતું અને રૂપિયા 6,31,200 ની કિંમતનો દારૂ કબજે કરી ચાલક અને ક્લીનરની અટક હતી. ટેન્કરમાં સંતાડીને સુરત (Surat) તરફ લઈ જવાતો વિસકી બિયરનો દારૂનો જથ્થો બોક્સ નંગ 158 બાટલી નંગ 6,384 કિંમત રૂપિયા 6,31,2 00 નો જથ્થો પકડી પાડ્યો હતો.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ શુક્રવારે વલસાડ એલસીબી પોલીસનો સ્ટાફ ભીલાડ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 દમણગંગા ડાભા નજીક ભારત પેટ્રોલ પંપની સામે ઉભા રહી વાહન ચેકિંગ કરી એક સિમેન્ટ ભરવાનો ટાટા બલ્કર ટેન્કર નંબર જીજે14 એક્સ 8692 ને અટકાવી તપાસ કરતા આ ટેન્કરમાં સંતાડીને સુરત તરફ લઈ જવાતો વિસકી બિયરનો દારૂનો જથ્થો બોક્સ નંગ 158 બાટલી નંગ 6,384 કિંમત રૂપિયા 6,31,2 00 નો જથ્થો પકડી પાડ્યો હતો અને ટેન્કરના ડ્રાઇવર આકાશકુમાર પારસનાથ સોની અને ક્લીનર વસીમખાન આશિકઅલી ખાન (બંને રહે પલસાણા જિલ્લા સુરત કડોદરા)ની અટક કરી હતી. જ્યારે માલ ભરાવનાર મંગાવનાર સિદ્ધનાથ ઉર્ફે નાગેન્દ્ર યાદવ અને ઈરફાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે રૂપિયા દસ લાખની કિંમતનું ટેન્કર બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 16,41,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ભિલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
વાંસદા તાલુકામાં દારૂ જુગારનું દુષણ ૧૫ દિવસમાં બંધ નહીં થાય તો જનતા રેડ
વાંસદા : વાંસદા તાલુકામાં દારૂ જુગારનું મોટા પ્રમાણમાં દુષણ વધી રહ્યું છે, જેને કારણે ગરીબ આદિવાસી પ્રજા પાયમાલ થઈ રહી છે. આ બાબતે વાંસદા ભાજપના વિધાનસભાની ચૂંટણીના હારેલા ઉમેદવાર પિયુષ પટેલે ૧૫ દિવસનું અલ્ટીમેશન આપ્યુ છે, તેમણે જણાવ્યુ હતુ કે જો પોલીસ દ્વારા આ દુષણ ડામવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં દારૂના અડ્ડા આંકડા તેમજ જુગારધામ પર અમે મહિલા મંડળ સાથે જનતા રેડ કરી પોલીસની આંખ ખોલીશુ.
હાલમાં વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસના ગઢ ગણાતા ૧૭૭ વાંસદા વિધાનસભામાં ભાજપના ઉમેવારની હાર થઇ હતી. ૧૭૭ વાંસદા વિધાનસભામાં ભાજપ દ્વારા વાંસદામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પિયુષ પટેલને મેદાને ઉતર્યા હતા. ત્યારે પિયુષ પટેલ આ પહેલા કોઈ પણ ચૂંટણી લડ્યા ન હોય તેમજ પ્રચાર માટે પણ ખૂબ ઓછો સમય મળ્યો હોવા છતાં તેમણે લગભગ ૯૧,૦૦૦ જેટલા મતો મળ્યા હતા.
ત્યારે આજે પિયુષ પટેલે જણાવ્યું હતું કે હવે પછી ભાજપનો કાર્યકર્તા બની ભાજપ માટે કામ કરીશ અને વાંસદા તાલુકાના દરેક નાગરિક માટે કામ કરીશ. આ પ્રસંગે સાંસદ કે.સી.પટેલ, જિ. પ્રમુખ ભૂરાભાઈ શાહ, પ્રભારી બાબુભાઇ જીરાવાલા, જ્યંતી પરમાર, ઉષાબેન પટેલ, ધારાસભ્ય નરેશ પટેલ, ગણપત મહાલા, શિવેન્દ્રસિહ સોલંકી, વાંસદા તા. પંચાયત પ્ર. શાંતુ ગાવીત, મહેશ ગામીત, મહામંત્રી સંજય બિરારી, રાકેશ શર્મા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યો, સરપંચો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.