સુરત : સુરત કસ્ટમ એરપોર્ટ (Surat Custom Airport) પર સોમવારે રાત્રે શારજાહથી (Sharjah) આવેલી ફ્લાઈટમાં (Flight) એક પેસેન્જર (Passenger) પાસેથી 4 લાખ રૂપિયાનું પ્લેટિનમ (Platinum) મળતી આવતા કસ્ટમ વિભાગે તેની અટકાયત કરી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે શારજાહથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આવી હતી. 150 પેસેન્જર શારજાહથી સુરત આવ્યા હતા. એરપોર્ટ ઉપર ડિપાર્ચર એરિયામાંથી આવનારા પેસેન્જરો પૈકી એક પેસેન્જર પર કસ્ટમ વિભાગના અધિકારીઓને શંકા ગઈ હતી. તેથી તે પેસેન્જરને અલગ કરીને તેની ઝડતી લીધી હતી. તેના સામાનની ઝડતી લીધી હતી. તેની પાસેથી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. કસ્ટમ અધિકારીઓએ પેસેન્જરની પૂછપરછ કરતા પેસેન્જરે શરૂઆતમાં કોઈ માહિતી આપી ન હતી. તેથી કસ્ટમ વિભાગે સખતાઈથી પૂછપરછ કરી હતી. પેસેન્જર પાસેથી મળેલી શંકાસ્પદ વસ્તુ બાબતે એક્સપર્ટની મદદ લીધી હતી. ત્યારે જણાયું કે તે વસ્તુ પ્લેટિનમ છે. પ્લેટિનમના 31 ગ્રામનો એક એવા ચાર ટુકડા મળી આવ્યા હતા. તમામની કિંમત 4 લાખ રૂપિયા થાય છે. આ બાબતે કસ્ટમ વિભાગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. હાલ આ પ્લેટીમન કોના માટે અને શા માટે યુવક લાવ્યો હતો તેની તપાસ કસ્ટમ અધિકારીઓ કરી રહ્યા છે.
શારજાહ-સુરત ફ્લાઈટમાં લગેજ ટ્રોલીની નીચેના લોખંડના ભાગમાં સંતાડેલાં સોનાનાં બિસ્કીટ પકડાયાં
આ અગાઉ ગઈ તા. 28મી મે ના રોજ ડીઆરઆઈએ બાતમીના આધારે બુધવારે સુરત એરપોર્ટ પહોંચી 10 તોલાના સોનાના 4 બિસ્કિટ અને 4 વ્હાઇટ ગોલ્ડના કુલ 600 ગ્રામના બિસ્કિટ પકડી પાડ્યા હતાં. 32 લાખની કિંમતના સોનાની આ ખેપ સાથે દક્ષિણ ગુજરાતના વતની બે ઈસમો ઈસ્માઈલ અને આદિલને પકડી લેવામાં આવ્યાં હતાં. બંને વ્યક્તિઓ પાસેથી 20 -20 લાખથી ઓછું સોનુ પકડાયું હોવાથી ડીઆરઆઈએ નિયમ મુજબ બંનેના નિવેદન નોંધી સોનું જપ્ત કર્યું હતું. બંને જણ સોનુ એરપોર્ટની ટ્રોલી નીચે લોખંડના લોહ ચુંબકના ખોખામાં મૂકી ટ્રોલી નીચે ચોંટાડી દેવામાં આવ્યું હતું. કેટલુંક સોનુ પેન્ટની ઝીપના ભાગે સંતાડવામાં આવ્યું હતું. એરપોર્ટની ટ્રોલી ટર્મિનલ બિલ્ડીંગ બહાર સુધી લઇ જવાતી હોવાથી આ તરકીબ અજમાવવામાં આવી હતી. ડીઆરઆઇના સુત્રોના જણાવ્યાં મુજબ અધિકારીઓને બાતમી મળી હતી કે શારજાહથી સુરત આવી રહેલી ફ્લાઇટમાં દાણચોરીના સોના સાથે બે ઈસમો સુરત આવી રહ્યા છે. એને આધારે એરપોર્ટ પર વૉચ ગોઠવી ઇસ્માઇલ અને આદિલ નામના પેસેન્જરોની બેગ તપાસવામાં કશું મળ્યું ન હતું. આરોપીઓની લગેજની ટ્રોલી સખ્તાઈથી પકડવાની સ્ટાઇલ જોઈ લગેજની ટ્રોલીની તપાસ કરવામાં આવતાં ટ્રોલી નીચે સંતાડવામાં આવેલુ સોનુ મળી આવ્યું હતું.બંને સુરતની કોઇ પાર્ટીને સોનાની ડિલિવરીઆપવાના હતાં એ પહેલાં પકડાઈ ગયા હતાં.