SURAT

અમદાવાદી તાંત્રિકે એક સુરતીને આ રીતે રૂપિયાનો વરસાદ કરવાનું કહ્યું અને….

સુરત: (Surat) અડાજણ વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના કર્મચારીને તાંત્રિક વિધીથી રૂપિયાનો વરસાદ (Rain) કરાવવાનું કહી અમદાવાદના (Ahmedabad) ભેજાબાજે બેથી અઢી વર્ષ સુધી કબાટ બંધ રખાવી તેમાંથી રૂ. 6 લાખના દાગીના તફડાવી લીધા હતા. સાળીને આપેલી બેગ ખાલી હોવાનું સામે આવતા ભાંડો ફુટ્યો હતો. ત્યારબાદ અડાજણ પોલીસે (Adajan Police) આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા 9 મહિના બાદ અમદાવાદ ખાતે રહેતા આરોપી તાંત્રિકની ધરપકડ કરી હતી.

હજીરા વિસ્તારની કંપનીમાં નોકરી કરતા ભરત નટવર બુંદેલા (ઉ.વ. 55 રહે. 23, રંગીલા રો હાઉસ, મહાલક્ષ્મી મંદિરની પાછળ, અડાજણ) ને નવેમ્બર 2018માં સાઢુભાઇ વિક્રમ હાડવૈદે તાંત્રિક વિપુલ પ્રહલાદ ઠાકોર (રહે. વી.એસ. હોસ્પિટલ નજીક, અમદાવાદ) સાથે પરિચય કરાવ્યો હતો. વિપુલ પૂજાવિધીથી ઘરમાં શાંતિ તથા રૂપિયાનો વરસાદ કરાવતો હોવાથી ભરત લાલચમાં આવી વિપુલને પોતાના ઘરે બોલાવ્યો હતો. વિપુલે પૂજાસ્થાન વાળા રૂમમાં પૂજા કર્યા બાદ કબાટમાં ચમત્કારીક ફૂલો નાંખેલા છે જે ફુલ થોડા સમય પછી રૂપિયા બની જશે. મારી રજા વગર કબાટ ખોલવાના નથી. હજી વધુ મંત્રોચ્ચાર કરવાના છે પછી જ કાર્યસિધ્ધ થશે. એમ કહી વિપુલ પરત અમદાવાદ ચાલ્યો ગયો હતો. એક-દોઢ વર્ષ સુધી વિપુલે કબાટ ખોલવા દીધો ન હતો.

માર્ચ 2020માં લોક્ડાઉન શરૂ થયું ત્યારે ભરતે કબાટ ખોલવાની પરમીશન માંગી હતી. પરંતુ લોક્ડાઉન પુરૂ થાય પછી તમારા ઘરે આવીશું એમ કહી જુન 2021માં વિપુલ અને તેનો મિત્ર વિનોદ પંચાલ ભરતના ઘરે આવી મંત્રોચ્ચાર અને પાણીનો છંટકાવ કરી કબાટનો દરવાજો અડધો ખોલી તેમાંથી પાંચસોના દરની 58 નોટ કાઢીને ભરતને બતાવી હતી. જેથી ભરતે વિપુલ ચમત્કારીક વ્યક્તિ હોવાનું માની લીધું હતું. પરંતુ ત્યાર બાદ વિપુલનો ફોન બંધ થઇ જતા ભરતને શંકા ગઇ હતી. અને કબાટ ખોલીને જોતા તેમાંથી 6 લાખના દાગીના ગાયબ હતા. આ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગત ફેબ્રુઆરી 2022 માં ફરિયાદ નોંધાવી હતી. 9 મહિના બાદ પોલીસે આરોપી વિપુલભાઈ પ્રહલાદભાઈ ઠાકોર (ઉ.વ-૪૫, ઘંઘો- ડ્રાઈવર, રહે-ઘર નંબર-૨૯ કંકુવાટીકા નાનો ઠાકોરવાસ વી.એસ. હોસ્પીટલની બાજુમાં કોચરબ ગામ પાલડી અમદાવાદ) ની ધરપકડ કરી હતી.

સાળીએ તેમને આપેલી બેગ ખાલી હોવાનું કહેતા ભાંડો ફુટ્યો
છેલ્લા કેટલાક સમયથી વિપુલનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી વિનોદ પંચાલને ફોન કરતા તેને હાલ મહારાજ હાજર નથી અને લાંબી પુજા વિધીમાં વ્યસ્ત હોવાનું તથા હાલ મળી શકે તેમ નહીં હોવાનું કહ્યું હતું. આ દરમિયાન ભરતભાઈને તેમની સાળી સ્મિતાબેન વિક્રમભાઈ હાડવૈદે જણાવ્યું હતું કે, વિપુલ અને વિનોદે તેમને જે બેગ આપી તે બેગમાં પૈસા ભરેલી હોવાનું કહ્યું હતું. તે બેગ ખાલી છે. આ વાત સાંભળી ભરતભાઈને શંકા જતા તેમને પોતાના કબાટ ચેક કરતા કબાટ ખાલી હતા. અને ઘરના સોનાના દાગીના પણ ગાયબ હતા. આશરે 6 લાખની કિમતના દાગીના આ ઠગ તાંત્રિકવિધી અને પુજાના નામે તફડાવી ગયો હતો. જેથી ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top