સુરત: (Surat) ઉત્રાણ અમરોલી બ્રિજ (Bridge) પર બ્રેકડાઉન ટ્રકની પાછળ ભટકાતાં મોટા વરાછાના સોફ્ટવેર એન્જિનિયરનું (Software engineer) મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અમરોલી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. મોટા વરાછા અબ્રામા રોડ પર શુભમ એવન્યુમાં રહેતો 26 વર્ષીય મહેશભાઈ નાથાભાઈ વઘાસિયા સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. આજે સવારે નોકરીએ જવા નીકળ્યો હતો. ત્યારે ઉત્રાણથી અમરોલી બ્રિજ ઉતરતાં ઓવર બ્રિજ ઉપર હાઈવા ટ્રક (GJ-21-V-5265)કે ટ્રક બ્રેકડાઉન થતાં ચાલકે ટ્રક ત્યાંજ પાર્ક કરી રાખી હતી. આ ટ્રકની પાર્કિંગ લાઈટ પણ બંધ હતી, ને કોઈ આડશ મૂકી ન હતી કે ત્યાં કોઈ વ્યક્તિ પણ ઉભો નહોતો.
- અમરોલી બ્રિજ પર ઊભેલી ટ્રક પાછળ બાઈક ભટકાતાં સોફ્ટવેર એન્જિનિયરનું મોત
- ડ્રાઈવર બગડેલી ટ્રક પાર્કિંગ લાઈટ કે આડસ મૂક્યા વગર જતો રહ્યો હતો
દરમિયાન મહેશભાઈ તેમની બાઈક (GJ-05-HQ-6184) લઈને બ્રિજ પરથી પસાર થતી વખતે ટ્રકની પાછળ ભટકાઈ ગયા હતા. ગંભીર અકસ્માતમાં મહેશભાઈને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની જાણ થતાં મહેશભાઈના ભાઈ વિરલભાઈ દોડી આવ્યા હતા અને તેમને અમરોલી પોલીસમાં અજાણ્યા ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી. મૃત્યુ પામનાર મહેશભાઈના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેઓ ધર્મનંદન ડાયમંડમાં નોકરી કરતા હતા. અમરોલી પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.
પાંડેસરામાં પુત્ર સાથે સામાન લેવા જઈ રહેલી મહિલાનું મોપેડ પરથી પટકાતા મોત
સુરતઃ પાંડેસરા ખાતે ગીતાનગરમાં રહેતી 49 વર્ષીય કુસુમદેવી અમિતસિંગ પટેલ ગત 27 તારીખે પોતાના પુત્ર સાથે મોપેડ ઉપર જઈ રહી હતી. ત્યારે ગીતાનગરથી મારૂતીનગર તરફ જતી વખતે મોપેડમાં સાડી ભરાતા નીચે પટકાઈ હતી. તેણીને માથામાં ગંભીર ઇજા સાથે નવી સિવિલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું. કુસુમદેવીને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેણીનો પતિ બીમાર રહેતો હોવાથી કામધંધો કરતો નથી. પુત્ર જરીના ખાતામાં કામ કરે છે. અને પરિવારને આર્થીક મદદરૂપ થવા માટે પોતે પાનનો ગલ્લો ચલાવતી હતી. અને દુકાનનો સામાન લેવા માટે પુત્ર સાથે મોપેડ પર જઈ રહી હતી.