Surat Main

સુરતના “આપ”ના મહિલા કોર્પોરેટરનો સણસણતો આક્ષેપ- ભાજપે મને 3 કરોડની ઓફર આપી

સુરત: (Surat) એક દિવસ પહેલાં જ સુરતની મુલાકાતે આવેલા આપ પાર્ટીના (Aam Admi Party) ગુજરાતના પ્રભારી ઇસુદાન ગઢવીએ ભારતીજ જનતા પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે પાર્ટીએ આપના કેટલાયે કોર્પોરેટરોને આપ પાર્ટી છોડવા અને ભાજપમાં જોડાવા માટે મોટી-મોટી ઓફરો આપી છે પરંતુ આપના સુરતના કોર્પોરેટરોને (Corporator) તેઓ હલાવી શક્યા નથી. આ વાત થયાના બીજા જ દિવસે સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા ગુરુવારે ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલા કોર્પોરેટરે કહ્યું કે કામરેજના ધારાસભ્ય દ્વારા તેમને ભાજપમાં જોડાવવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરવામાં આવી હતી. આ ઓફર તેમણે નકારી દીધી છે. જોકે આ ઓફર બાદ તેમના પારિવારિક સંબંધોમાં પણ તિરાડ પડી છે. પતિ દ્વારા વારંવાર ભાજપની ઓફર સ્વીકારી લેવા દબાણ કરાતુ હતું જેના કારણે તેમણે તેમના પતિ સાથે છૂટાછેડા લઈ લીધાં હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં-3માં આમઆદમી પાર્ટીનાં મહિલા ઉમેદવાર ઋતા દુધાગરા શહેરના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડ સાથે વિજયી ઘોષિત થયાં હતાં. હવે આ મહિલા કોર્પોરેટર દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કામરેજના ધારાસભ્ય વિરુદ્ધ પક્ષમાં જોડાવા માટે કરવામાં આવી રહેલા દબાણ સંદર્ભે આક્ષેપો કરવામાં આવતાં રાજકીય હોબાળો મચી જવા પામ્યો છે. જોકે તેમણે આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું.

પત્રકારોને માહિતી આપતા ઋતાએ જણાવ્યું હતું કે તેમના ઘરે લગભગ 3 વાર અલગ અલગ વ્યક્તિને મોકલી ઓફરો આપવામાં આવી હતી. અને જો હું પાર્ટીમાં જોડાવા તૈયાર થાઉં તો 3 કરોડ કરતા પણ વધારે રકમ આપવાની તેઓની તૈયારી હતી. દરમ્યાન વારંવાર ઓફરો મળતા તેમના પતિ અને પતિના પરિજનો દ્વારા ઓફર સ્વીકારવા માટે તેમને દબાણ કરાતું હોવાનો પણ ઋતાએ આક્ષેપ કર્યો હતો. બાદમાં પતિ-પત્ની વચ્ચે વિવાદ થતાં ઋતા દુધાગરાનો ઘરસંસાર ભાંગી પડ્યો છે. પતિએ ભાજપ પાસેથી 25 લાખ લીધાના પણ આક્ષેપ કરતાં ઋતાએ કહ્યું, હજુ પણ ભાજપ દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

આ વચ્ચે ઋતાએ જણાવ્યું કે લોકોએ તેને ખોબે ખોબા મત આપી બહૂમત સાથે જીતાડી છે. 54 હજાર લોકોનો મારી ઉપર વિશ્વાસ છે. અને આમ આદમી પાર્ટીમાં રહી હૂં અડગ રીતે કામ કરીશે. જેને કારણે 21 મેના રોજ મેં પતિ સાથે છૂટાછેડા લેવાની પ્રક્રિયા શરૂ કરી અને 26 તારીખે અમારા છૂટાછેડા થઈ ચુક્યા છે.

Most Popular

To Top