સુરત : દિવાળી બાદથી જ રાજ્યમાં એક બાદ એક માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના એક પરિવારની 12 વર્ષીય દીકરી એકાએક ગાયબ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. સહેલીઓના ઘરે, સ્કૂલ જેવા જ્યાં જ્યાં કિશોરી જતી હતી ત્યાં તે નહીં મળતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. તાજેતરમાં બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થયો હોય પોલીસે પણ આ કેસને પ્રાથમિકતામાં લઈ તાત્કાલિક કિશોરીને શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. થોડા જ કલાકોમાં ઘર નજીકથી જ કિશોરી મળી ગઈ હતી. પૂછપરછમાં કિશોરી પોતે જ ઘર છોડી જતી રહી હોવાનું જણાવ્યું હતું અને ઘર છોડવા માટે કિશોરીએ જે કારણ આપ્યું તે જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. માતા-પિતા અને શાળામાં શિક્ષકે માર માર્યો હોવાના લીધે દુ:ખ લાગતા કિશોરી ઘર છોડીને જતી રહી હતી. આ કિસ્સાના પગલે માતા-પિતા ચોંકી ગયા હતા. પોલીસે કિશોરીને સમજાવીને માતા-પિતા સાથે ઘરે પરત મોકલી હતી.
સચીનમાં (Sachin) ઘરમાં માતા-પિતા અને શાળામાં શિક્ષક ફટકારતાં કાંટાળીને 12 વર્ષની કિશોરી ઘર છોડી ગઈ ને પોલીસ (Surat Police) દોડતી થઈ ગઈ હતી. સચિન જીઆઇડીસીમાં (GIDC) બાર વર્ષીય કિશોરી ઘરેથી ક્યાંક ચાલી જતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ કિશોરી બપોરના સમયે બગીચામાં મળી આવી હતી. કર્મયોગી સોસાયટીમાં રહેતી આ કિશોરી સાથે પોલીસે કાઉન્સિલિંગ (Counselling ) કરતા કિશોરીએ જણાવ્યું કે તેને ઘરમાં માતા પિતા ફટકારે છે. આ ઉપરાંત શાળામાં પણ તેને ફટકારાય છે. જ્યારે મદરેસામાં પણ તે હેરાન કરવામાં આવે છે તેથી તે કંટાળી ગઇ છે અને પોતે ઘર છોડ્યું હતું. હાલમાં સચિન જીઆઇડીસીમાં અને શહેરમાં જે રીતે બળાત્કારના ગુના બની રહ્યા છે તેનાથી ચોંકેલી પોલીસે સંખ્યાબંધ તપાસ ટુકડી રાખીને કિશોરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી. અલબત સચિન જીઆઇડીસી પોલીસે બાદમાં કિશોરીના માતા પિતાને કિશોરી સાથે પ્રેમપૂર્વક વર્તાવ કરવા માટે જણાવીને કિશોરી સોંપી દીધી હતી,