સુરત: (Surat) ડિંડોલીમાં રહેતા અને 162 કિલો વજન (KG Weight) ધરાવતા યુવકે ચરબીની સારવાર (Treatment) કરાવ્યાના 24 કલાકમાં જ મોત નીપજતા તબીબ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતાં. મૃતકનું સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક તબક્કે હાર્ટએટેક હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ડિંડોલીના નવાગામ પાસે મોર્યા નગરમાં રહેતા મુન્નાસીંગ વિસર્જનસીંગ રાજપુત પ્રાઇવેટ નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો . મુન્નાસીંગનું 162 કિલો વજન હતું જેને કારણે તે ખુબ જ મુશ્કેલી અનુભવતો હતો. મુન્નાસીંગએ ચરબી ઘટાડવા માટે અડાજણના ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલા ગુજરાત ગેસ્ટ્રોમાં સારવાર કરાવી હતી. ગુરૂવારે સાંજે પાંચથી નવ વાગ્યા સુધી ગુજરાત ગેસ્ટ્રોમાં સારવાર લીધી હતી અને હોસ્પિટલમાંથી એક ટેબલેટ આપવામાં આવી હતી.
બીજા દિવસે એટલે કે શુક્રવારે મુન્નાસીંગની બપોર બાદ તબિયત લથડી હતી. ગુજરાત ગેસ્ટ્રોના ડોક્ટરે આપેલી દવા લીધા બાદ મુન્નાસીંગ સૂઇ ગયો હતો અને જાગ્યો જ ન હતો. સાંજ સુધી તે ઊભો નહી થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. નજીકમાં આવેલી બાબા મેમોરીયલ હોસ્પિટલમાં તપાસ કરતા ડોક્ટરે સિવિલમાં લઇ જવાનું કહ્યું હતું. મુન્નાસીંગને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા તેને મૃત જાહેર કરાયો હતો. બનાવ અંગે ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પરિવારજનોના આક્ષેપોને પગલે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું
મુન્નાસીંગને નવી સિવિલ હોસ્પિ.માં લાવવામાં આવ્યા બાદ તેના મોતને લઇને અનેક પ્રશ્નો ઊભા થયા હતાં. પરિવારના સભ્યોએ મોત ઉપર સવાલો કરતા મુન્નાસીંગનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે હાલમાં મુન્નાસીંગનું હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું છે.
એનેસ્થેસ્યાની અડધી ટેબલેટ ખાધા બાદ તબિયત લથડી હતી
મૃતક મુન્નાસીંગના મિત્ર સુધીરએ માહિતી આપતા કહ્યું હતું કે, બુધવારે ગુજરાત ગેસ સર્કલ ઉપર આવેલા ગુજરાત ગેસ્ટ્રો હોસ્પિટલમાં ચરબીની સારવાર લેવામાં આવી હતી. સાંજે પાંચ વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સારવાર કરાઇ હતી. ત્યારબાદ ડોક્ટરે એક ટેબલેટ આપીને અને રજા આપી હતી. બીજા દિવસે બપોરના સમયે મુન્નાસીંગને અકળામણ થવા લાગી હતી. મુન્નાસીંગને ખુબ જ બફારો થયો હતો અને ડોક્ટરના કહેવા પ્રમાણે અડધી ટેબલેટ લઇને છાશ પીધી હતી અને સૂઇ ગયા હતા. બપોરે ત્રણ વાગ્યે મુન્નાસીંગ સૂઇ ગયા હતા અને પછી ઊભા જ થયા નથી.
અમારો કોઈ વાંક નથી: ગુજરાત ગેસ્ટ્રો અને વાસ્કુલર હોસ્પિટલ
મુન્નાસીંગના મોતને લઇને ગુજરાત ગેસ્ટ્રો અને વાસ્કુલર હોસ્પિટલના તબીબ તેજસ પટેલે જણાવ્યું હતું કે, દર્દીનું ઓકિસજન લેવલ ઓછું હતું. અમે ઓપરેશન કરતા પહેલા મોટા ભાગના તમામ રિપોર્ટ કર્યા હતા. આજે સવારે દર્દીના સગા અમારી પાસેથી રિપોર્ટ પણ લઇ ગયા છે. ગઇ કાલે બપોરે દર્દીની હાલત ખરાબ થઇ હોવાથી અમે નજદીકની હોસ્પિટલમાં દર્દીને શિફટ કરાવ્યો હતો.