નવી દિલ્હી: પતંજલિ (Patanjali) દ્વારા ભ્રામક જાહેરાતના કેસમાં યોગ ગુરુ રામદેવ (Baba Ramdev) અને પતંજલિના મેનેજિંગ ડિરેક્ટર (MD) આયુર્વેદ આચાર્ય બાલકૃષ્ણ (Acharya Balakrishna) સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમજ તેમના વર્તન માટે માફી માંગી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ તેમની માફીથી સંતુષ્ટ ન હતી. તેમજ તેમને ઠપકો આપ્યો હતો અને કોર્ટના આદેશને ગંભીરતાથી લેવા જણાવ્યું હતું.
જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બે સભ્યોની બેંચે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટના અવમાનના કેસની સુનાવણી કરી હતી. તેમજ બંને વતી હાજર રહેલા એડવોકેટ બલબીર સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. જેના પર બેંચે પૂછ્યું કે રામદેવનું એફિડેવિટ ક્યાં છે? તેમજ સુપ્રીમ કોર્ટે ખૂબ જ કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ‘દેશની સેવા કરવા માટેનું બહાનું ન બનાવો. સુપ્રીમ કોર્ટ હોય કે દેશની અન્ય કોઈ કોર્ટ, હુકમનું પાલન કરવું જોઈએ.’
એફિડેવિટ પર પણ સુપ્રીમ કોર્ટ નારાજ
સુપ્રીમ કોર્ટે પહેલા પૂછ્યું કે શું બંને લોકો કોર્ટ હાજર થયા છે. તેના પર તેના વકીલે કહ્યું કે બંને લોકો કોર્ટમાં હાજર છે. આ પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓએ બે એફિડેવિટ દાખલ કરવી જોઈતી હતી. પરંતુ માત્ર એક જ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમે અગાવ કંપની અને એમડીને જવાબ દાખલ કરવા માટે કહ્યું હતું, જ્યારે જવાબ દાખલ ન થયો તો અવમાનનાની નોટિસ જારી કરવામાં આવી હતી.’
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને સ્વામી બાલકૃષ્ણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું, ‘કોર્ટના આદેશોને હળવાશથી ન લઈ શકાય. તમારા દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને હવે પછી તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ દેશની સૌથી મોટી અદાલતનું અપમાન છે અને હવે તમે માફી માગી રહ્યા છો. આ માફી કોર્ટને સ્વીકાર્ય નથી.
કોર્ટે કહ્યું, ‘તમારી માફી પૂરતી નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને ત્યાં પતંજલિની જાહેરાતો છપાઈ રહી હતી. તમારું મીડિયા વિભાગ તમારાથી અલગ નથી, તમે આવું કેમ કર્યું? નવેમ્બરમાં તમને ચેતવણી આપવામાં આવી હતી, છતાં તમે પ્રેસ કોન્ફરન્સ કરી. 21 નવેમ્બરના કોર્ટના આદેશ બાદ પણ બીજા જ દિવસે બાલકૃષ્ણ અને રામદેવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.