National

ભાજપે ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી, 112 ઉમેદવારોને મળી તક

નવી દીલ્હી: લોકસભા ચૂંટણી 2024ની (LokSabha Election 2024) તારીખો જાહેર થઇ ગઇ છે. તેમજ આ સાથે જ વિવિધ રાજ્યોના ઉમ્મેદ્વારોની યાદી પણ જાહેર થઇ રહી છે. ત્યારે ઓડિશા (Odisha) વિધાનસભાની ચૂંટણી (Assembly elections) માટે ભાજપે રાજ્યની 112 બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

આ યાદીમાં ભાજપે ગોવર્ધન ભુયેને પદમપુરના ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે જ સનત કુમારને બીજાપુરથી તક આપવામાં આવી છે. ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે 4 તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 23 મેથી શરૂ થઈ રહ્યું છે. જેમાં 28 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે.

112 ઉમેદવારોના નામની જાહેરાત
ભાજપે આજે 112 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ગોવર્ધન ભુયે, સનત કુમાર ઉપરાંત બારગઢના અશ્વિની કુમાર સારંગીને તક આપવામાં આવી છે. તેમજ અટ્ટબિરા (SC)થી નિહાર રંજન મહાનંદા, ભટલીથી ઇરેસિસ આચાર્ય, બ્રજરાજનગરથી સુરેશ પૂજારી અને ઝારસુગુડાથી ટંકધર ત્રિપાઠીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

શું છે ઓડિશાનું રાજકીય સમીકરણ?
લોકસભા ચૂંટણીની સાથે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. હાલમાં ઓડિશામાં બીજુ જનતા દળની સરકાર છે તેમજ હાલ ઓડિશામાં મુખ્યમંત્રી નવીન પટનાયક છે. રાજ્ય વિધાનસભામાં 146 સભ્યો છે. 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેડીએ સૌથી વધુ 112 બેઠકો જીતી હતી. તેમજ ભાજપે 23 સીટો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસના નવ અને સીપીએમના એક ધારાસભ્ય જીત્યા હતા. આ ઉપરાંત અપક્ષને એક બેઠક મળી હતી.

4 જૂને પરિણામ આવશે
હાલ બીજેડી પાર્ટી વર્ષ 2000થી ઓડિશામાં પ્રભુત્વ ધરાવે છે. તેમજ ગયા અઠવાડિયે નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો લોકસભા ચૂંટણીના પરિણામો સાથે 4 જૂને જ જાહેર કરવામાં આવશે.

ભાજપ 100 રેલીઓ કરશે
નવીન પટનાયકની આગેવાની હેઠળના બીજેડી પાસેથી સત્તા મેળવવાના ઈરાદા સાથે ભાજપ રાજ્યમાં 100 ચૂંટણી રેલીઓ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત રાજ્યમાં પાર્ટીના ટોચના સ્ટાર પ્રચારકોમાં સામેલ છે.

ઓડિશા ભાજપના ઉપાધ્યક્ષ ગોલક મહાપાત્રાએ કહ્યું કે તમામ વિસ્તારોમાં મેગા રેલીઓનું આયોજન કરવામાં આવશે. જેમાં મોદી અને શાહ ઉપરાંત બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સંબોધન કરશે. પીએમ મોદી 3 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ સંબલપુર અને ચંદીખોલમાં બે રેલીઓને સંબોધિત કરી ચૂક્યા છે. આ સિવાય રાજનાથ સિંહ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ રાજ્યમાં સભાઓ કરી હતી.

Most Popular

To Top