SURAT

GSTનો 90 હજારનો પગારદાર સુપરિટેન્ડેન્ટ 1500ની લાંચ લેવા નાનપુરાથી દિલ્હીગેટ સુધી ગયો અને..

સુરત : ભ્રષ્ટ્રાચાર એવી લત છે જે ક્યારેય છૂટતી નથી. તે દારૂ અને તમાકૂના વ્યસનથી પણ વધુ ખરાબ છે. એકવાર કોઈ સરકારી અધિકારી લાંચ લઈ લે પછી તે આ નાગચૂડમાંથી મુક્ત થતો જ નથી. ભ્રષ્ટ્રાચારના કાદવમાં લિપ્ત થયેલા સુરતના આવા જ એક સુપરિટેન્ડેન્ટની બૂરી વલે થઈ છે. નવાઈની વાત તો એ છે કે રૂપિયા 90 હજારની માતબર રકમનો પગાર ધરાવતો સુરત સીજીએસટી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો સુપરિટેન્ડેન્ટ 1500 રૂપિયાની નજીવી રકમની લાંચ લેવા માટે છેક નાનપુરા સીજીએસટી કચેરીથી દિલ્હીગેટના બ્રિજ સુધી લાંબો થયો હતો. જોકે, 1500ની લાલચ સુપરિટેન્ડેન્ટને ભારે પડી અને એસીબીની ગિરફ્તમાં જકડાઈ ગયો.

  • સુરત સીજીએસટીનો સુપરિટેન્ડેન્ટ 1500ની લાંચ લેતા પકડાયો
  • આરોપી અધિકારી રંજીતકુમાર ક્રિષ્ણાકુમાર સાહુ સામે લાંચનો ગુનો દાખલ કરાયો
  • રંજીતકુમાર સાહુએ જીએસટીના રજિસ્ટ્રેશન માટે લાંચ માંગી હતી

સીજીએસટીમાં ગેરરીતીની વ્યાપક ફરિયાદો છે ત્યારે સીજીએસટીનો 90000નો પગાર ધરાવતો સુપ્રિન્ટેન્ડન્ટ 1500ની લાંચ લેતા ઝડપાયો હોવાની વિગત જાણવા મળી છે. દિલ્હીગેટ, રીંગરોડ ફલાય ઓવર નીચે, કૈલાશપતિ મહાદેવ મંદિરની બાજુમાં બોમ્બે બરોડા હેરઆર્ટ પાસે એસીબી દ્વારા આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. તેમાં આરોપી રંજીતકુમાર ક્રિષ્ણાકુમાર સાહુ વર્ગ 2 હોદો સુપ્રિન્ટેડન્ડન્ટ સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ફરિયાદી પાસે જીએસટી રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે ઓનલાઇન એપ્લીકેશન કર્યા બાદ પુરાવાની ખરાઇ કરી પોઝીટીવ રીપોર્ટ આપવા માટે ત્રણ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આરોપી દ્વારા દોઢ હજાર આપવાની તૈયારી બતાવાતા તે સ્વીકારી લીધી હતી. તપાસ અધિકારી એ. કે. ચૌહાણ દ્વારા આ ટ્રેપ કરવામાં આવી હતી. એસીબી સુરત એકમના સુપરવિઝન અધિકારી આર.આર.ચૌધરીના માર્ગદર્શનમાં આ દરોડા કરવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top