SURAT

સુરતમાં ચાર પુલના બાંધકામમાં CRZની મંજૂરી લેવામાં આવી નથી, સુરત મનપા દોષિત : કેગ

અમદાવાદ : વિકાસના કામમાં અગ્રેસર એવી સુરત મહાનગર પાલિકા (SMC) ઉપર પણ કેગે (CAG) આકરા પ્રહાર કર્યા છે. તેણે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, સુરત શહેરમાં બનેલા ચંદ્રશેખર આઝાદ, સરદાર પુલ, કેબલ-સ્ટેઇડ બ્રિજ અને પાલ-ઉમરા બ્રિજ માટે સીઆરઝેડની મંજૂરી લેવામાં આવી નથી. અને તેના માટે સુરત મહાનગર પાલિકા દોષિત છે.

પર્યાવરણીય રિપોર્ટમા સરકારની ટીકાઓ

  1. ભરૂચ શહેરમાં નર્મદા નદી પર પુલના બાંધકામમાં સીઆરઝેડની મંજૂરી મેળવાઇ નથી, જ્યારે સુરતમાં તેના નદી પર પુલના બાંધકામમાં સીઆરઝેડની મંજૂરી લેવાઇ નથી અને મેન્ગ્રુવ્સનો વિનાશ કરવામાં આવ્યો છે. આ બંને કેસમાં રાજ્યનો માર્ગ-મકાન વિભાગ દોષિત છે.
  2. સુરત શહેરમાં ચાર પુલના બાંધકામમાં મંજૂરી લેવાઇ નથી. આ પુલ ચંદ્રશેખર આઝાદ, સરદાર પુલ, કેબલ-સ્ટેઇડ બ્રિજ અને પાલ-ઉમરા બ્રિજ બનાવવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દોષિત છે.
  3. સુરત જિલ્લાના કડી ફળિયા ગામે ઘન કચરાના ટ્રાન્સફર સ્ટેશનના બાંધકામમાં સીઆરઝેડની મંજૂરી તો લેવાઇ નથી પરંતુ સાથે દિન પરવાનગીપાત્ર પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી છે.
  4. નાની ચિરાઇ-મોટી ચિરાઇ અને જંગી કે જે ભચાઉના વિસ્તારો છે ત્યાં મીઠાના અગરનું બાંધકામ કરવામાં સીઆરઝેડની મંજૂરી લેવામાં આવી નથી. આ માટે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ અને મહેસૂલ વિભાગ જવાબદાર છે.
  5. કચ્છ જિલ્લામાં મેન્ગ્રુવનો નાશ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને લીઝ ધારકોએ ઉલ્લંઘન કર્યાં છે. દહેજ-વિલાયત ઔદ્યોગિક વિસ્તારમાં પાઇપલાઇન બિછાવવા માટે મંજૂરી મેળવાઇ નથી, જેના માટે જીઆઇડીસી જવાબદાર છે.
  6. માંડવી તાલુકામાં પ્રવાસન રિસોર્ટના બાંધકામમાં પણ સીઆરઝેડ વિસ્તારમાં પરવાનગી વિના પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે જેના માટે પ્રવાસન નિગમ જવાબદાર છે.
  7. ઓખામાં જેટીના માલક દ્વારા ઓખામંડળ તાલુકાના સીઆરઝેડમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ થઇ હતી છતાં પગલાં લેવામાં આવ્યા નથી.
  8. સીઆરઝેડની મંજૂરી મેળવ્યા વિના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના પાંચ પ્લોટમાં વહાણના સમારકામની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી પરંતુ તેને રોકી શકાઇ નથી.
    સીએજીના રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણો
  9. સમુદ્રતટીય પર્યાવરણના અસરકારક વ્યવસ્થાપન માટે સરકારે ગુજરાત સમુદ્રતટીય વિસ્તાર વ્યવસ્થાપન સત્તામંડળ (જીસીઝેડએમએ)ને સમર્પિત માનવબળ પુરૂં પાડવું જોઇએ.
  10. રાજ્યમાં ઓળખ કરવામાં આવેલા સંવેદનશીલ સમુદ્રતટીય વિસ્તારો માટે સંકલિત વ્યવસ્થાપન યોજના તૈયાર કરવી જોઇએ.
  11. દરિયાઇ વિસ્તારમાં પરિયોજનાની મંજૂરી બાદ પણ દેખરેખ માટે કોઇ તંત્ર વિકસિત કરવામાં આવ્યું નથી તેથી તે ઊભું કરવાની આવશ્યકતા છે.
  12. જિલ્લા સૂચક માળખાની રચનાને પ્રાથમિકતા આપવાની જરૂર છે અને પરિણામલક્ષી અંદાજપત્ર તૈયાર કરવું જોઇએ.
  13. પ્રક્રિયા કર્યા વિનાનું ગંદુ પાણી જળાશયો કે નદીઓમાં છોડતું રોકવામાં આવે અને આ માટે એસટીપીની સ્થાપના અંગે સરકારે વિચારવું જોઇએ.
  14. રાજ્ય સરકારે ભૂ-સ્થાનિય સંચાર પ્રણાલી (જીઆઇએસ) સાધનોનો ઉપયોગ કરીને કિનારા પરની પ્રવૃતિ પર નજર રાખવા નિષ્ણાંત સેલ ઉભો કરવો જોઇએ.
  15. મોબાઇલ દરિયાઇ પાણીની પ્રક્રિયા માટેના નિષ્ક્રિય વાહનોના ઉપયોગ કરવા માટે સરકારે ત્વરીત પગલાં લેવા જોઇએ, જેથી આ વાહનોનો વધુ બગાડ અટકાવી શકાય.
  16. દરિયાઇ ધોવાણ અથવા બગાડ માટે તટવર્તિય વિસ્તારોની ઓળખ કરી વ્યવસ્થાપનના કાર્યક્રમો ઘડવા જોઇએ.
  17. જિલ્લા સ્તરની સમિતિઓની કામગીરી સમીક્ષા નિયમિત થતી ન હોવાથી તેના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.
  18. નિયમોના ઉલ્લંઘન બદલ અસરકારક પગલાં લેવા માટે ઓથોરિટી નિષ્ફળ ગઇ છે તેથી પર્યાવરણ અધિનિયમની જોગવાઇઓને કેસોમાં જરૂર જણાય તો ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવી જોઇએ.

સીઆરઝેડની મંજૂરી વિના સુરત ,વલસાડ, પોરબંદરના દરિયાકાંઠે ગેરકાયદે દબાણો : કેગ
ગુજરાતમાં દરિયાકાંઠા નિયમન વિસ્તારની મંજૂરી મેળવ્યા વિના અનધિકૃત દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના ત્રણ જિલ્લા સુરત, પોરબંદર અને વલસાડમાં આવા દબાણો થયાં હોવાનો ઉલ્લેખ કેગના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. કેગનો સમુદ્રતટીય પર્યાવરણના સંરક્ષણ અને વ્યવસ્થાપનની કામગીરીનો ઓડિટ રિપોર્ટ વિધાનસભામાં રજુ થયો છે. આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે દરિયાકિનારે દબાણ ઉભું કરતાં પહેલાં CRZની મંજૂરી મેળવવામાં આવી નથી. આવા દબાણો પૈકી સુરતમાં એક મકાન બનાવી દેવામાં આવ્યું છે. પોરબંદરના માધવપુરમાં ફર્ન લીયો રિસોર્ટ તાણી બાંધવામાં આવ્યો છે.

સૌથી વધુ અનધિકૃત પ્રવૃત્તિ વલસાડના દરિયાકાંઠે થઇ છે. ઉદવાડામાં ત્રણમાળના ત્રણ બહુમાળી મકાનો બનાવી દેવાયા છે. નારગોલમાં દરિયાઇ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. સી વ્યૂ એપાર્ટમેન્ટ તાણી બંધાયું છે. ઉદવાડામાં અજાણ્યું મકાન બની ગયું છે. એવી જ રીતે ઉમરસાડીમાં અજાણ્યું મકાન બન્યું છે. તાલુકા પંચાયતની ઓફિસ બની છે. કોર્ટ પણ ઉભી કરી દેવામાં આવી છે. એ ઉપરાંત બીજા અજાણ્યા મકાન અને બંગલો બનાવી દેવાયો છે. વલસાડમાં પણ અનધિકૃત બાંધકામો થયાં છે પરંતુ તેમાં સીઆરઝેડની મંજૂરી મેળવવામાં આવી નથી.

Most Popular

To Top