પ્રભાસની ‘રાધેશ્યામ’નો પતંગ આ ચૌદમીએ કેવો ઊડે તેની ખબર નથી પણ તે અત્યારે અન્ય એક તેલુગુ – હિન્દી ફિલ્મ ‘આદિપુરુષ’ના શૂટિંગમાં રોકાયેલો છે. ‘બાહુબલી’ પછી તેણે ફકત તેલુગુ ભાષામાં જ કરી હોય એવી એક પણ ફિલ્મ નથી. ‘આદિપુરુષ’ પછી ‘પ્રોજેકટ કે’ પણ તેલુગુ – હિન્દીમાં જ બનશે. પણ ‘આદિપુરુષ’ને તેની એકદમ મહત્ત્વની ફિલ્મ માનવામાં આવે છે અને તેમાં તે રામ બન્યો છે ને ‘પ્યાર કા પંચનામા-2’ નો એકટર સની સીંઘ લક્ષ્મણની ભૂમિકા ભજવશે. એ ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ, કન્નડમાં બની રહી છે. એટલે પ્રભાસનું તો બરાબર પણ તેની ભેગા સની સીંઘ પણ પાંચ ભાષાનો એકટર બની જશે. સની સીંઘે ‘દિલ તો બચ્ચા હે જી’ થી શરૂઆત કરેલી, પણ ‘પ્યાર કા પંચનામા-2’ થી તે જાણીતો બની ગયેલો. ‘સોનુ કે ટિટુ કી સ્વીટી’ તો એકદમ સફળ રહેલી એટલે સની ડિમાંડમાં આવી ગયો. બાકી તે ટી.વી. સિરીયલોમાં કામ કરતો હતો.
‘કસોટી જિંદગી કી’માં તે કાતિકા સેંગારનો પ્રેમી હતો અને ‘શકુંતલા’ માં કરણની ભૂમિકા ભજવેલી. દિગ્દર્શક લવરંજને એક કાર્તિક આર્યન, બીજી નુસરત ભરૂચા અને ત્રીજા સની સીંઘની કારકિર્દી બનાવી. શરૂની બે ફિલ્મોની સફળતા પછી તેને ‘દે દે પ્યાર દે’ માં પણ ભૂમિકા મળી ગઇ અને ‘જૂઠા કહીં કા’ માં પણ સ્થાન મળ્યું. હવે તેની પાસે ‘આદિપુરુષ’ ઉપરાંત ‘યાર જિગરી’ અને ફરી ‘સોનુ કે ટિટુ કી સ્વીટી’ ની સિકવલ છે. સની સીંઘના પિતા જયસીંઘ નીજજર સ્ટન્ટ ડાયરેકટર છે કે જેમણે ‘ચેન્નઇ એકસપ્રેસ’ અને ‘શિવાય’ જેવી ફિલ્મમાં સ્ટન્ટ કરાવ્યા છે. એટલે સની કહે છે કે હું કોઇ સ્ટારનો પુત્ર નથી એટલે ફિલ્મોમાં મારા સ્થાનની મને ખબર નથી પણ મારા પિતા ૪૦ વર્ષથી ફિલ્મજગતમાં જ છે એટલે થોડાક લોકોને જાણું છું જરૂર. મારે અભિનયમાં કારકિર્દી બનાવવી હતી અને બનાવી રહ્યો છું.
‘આદિપુરુષ’માં લક્ષ્મણની ભૂમિકાને તે ખૂબ અગત્યની માને છે કારણ કે એ ફિલ્મ મોટા લેવલે બની રહી છે એટલે પ્રેક્ષકો મળવા નકકી છે. ‘યાર જિગરી’માં તો તે અને વિક્રાંત મેસી જ મુખ્ય ભૂમિકામાં છે. એ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ માટે જ બનાવાઈ રહી છે. સોનુ સીંઘે હવે ટી.વી. પર કામ કરવું છોડી દીધું છે ને પૂર્ણપણે ફિલ્મો પર જ ફોકસ કરે છે. તે અત્યારે વેબસિરીઝ માટે પણ તૈયાર નથી. તે જાણે છે કે ફિલ્મોમાં કામ કરતી વેળા બીજાં માધ્યમોમાં ધ્યાન રાખો તો જે રીતે કામ થવું જોઇએ તે થતું નથી. તેની પહેલી બે સફળ ફિલ્મોમાં તેણે કોમેડી કરી હતી પણ તેણે વૈવિધ્ય સાથે આગળ વધવું છે. તે કહે છે કે ૨૦૨૨ નું વર્ષ મારા માટે ખાસ છે. ‘આદિપુરુષ’ ના આખી કાસ્ટ ગ્રેટ છે અને મારા માટે પ્રભાસ એક મોટા ભાઇ જેવો છે. તે પોતે સ્ટાર છે ને છતાં એકદમ સિમ્પલ છે. સની સીંઘની કારકિર્દી ‘આદિપુરુષ’ પછી મોટા ટર્નિંગ પર આવી જાય એ નકકી છે.