Business

સની v/s વિકી જોઇએ કોનું ‘કૌશલ’ વધારે?

વિકી કૌશલે તેની એક જગ્યા ઊભી કરી દીધી છે ને તેનો ભાઇ સની કૌશલ એવી જ જગ્યા ઊભી કરવાની મથામણમાં છે. આજકાલ એવું છે કે એક બહેન ફિલ્મમાં આવે તો તરત તેની બહેન પણ લાઇન લગાડે. પ્રિયંકા ચોપરા પાછળ પરિણીતી ચોપરા આવી, કેટરીના કૈફ પાછળ ઇસાબેલે કૈફ આવી. આવા ઘણા દાખલા છે. સલમાન પાછળ અરબાઝ, સોહેલ આવ્યા. સની પાછળ બોબી દેઓલ, અનુપમ પાછળ રાજુ ખેર, વરુણ ધવન પાછળ રોહિત ધવન (દિગ્દર્શક). આવુ ભૂતકાળમાં ય થયું છે અને હવે પણ થતું રહેશે. વિકી કૌશલ – સની કૌશલનું પણ એવું જ ગણવું. જો કે બંનેએ ૨૦૧૧ માં જ એન્ટ્રી લીધી છે.

વિકીએ ‘ગેંગ્સ ઓફ વાસેપૂર’, ‘લવ શવતે ચિકન ખુરાના’થી પ્રવેશ કર્યો તે ૨૦૧૨ નું વર્ષ છે ત્યારે સની કૌશલ ‘ઔરંગઝેબ’, ‘ગુંડે’ માં આસિસ્ટન્ટ ડાયરેકટર હતો અને ૨૦૧૬ માં ‘ઓફિશીઅલ ચુકયાગિરી’ વેબ સિરીઝમાં સ્પંદન ચૂકયા તરીકે દેખાયો. તેણે ‘ગોલ્ડ’, ‘ભાંગરા પા લે’ ફિલ્મો પણ કરી અને ગયા વર્ષે ‘ધ ફર્ગોટન આર્મી – આઝાદી કે લિયે’ વેબ સિરીઝમાં દેખાયો હતો હવે તે ‘શિદ્દૃત’ અને ‘ર્હુડંગ’ ફિલ્મમાં આવી રહ્યો છે. પહેલીમાં તે રાધિકા મદાન સાથે છે ને તે એક  રોમેન્ટિક ફિલ્મ છે. ‘ર્હુદંગ’માં તે નુસરત ભરૂચા સાથે છે. મતલબ એ થયો કે તે પણ હીરોથી નાના પાત્રો માટે તૈયાર નથી. ‘ગોલ્ડ’ અને ‘ભાંગરા પા લે’માં પણ તે હીરો જ હતો.

વિકી અને સની બન્ને સાથે જ ચાલી રહ્યા છ એવું નહીં કહી શકાય કારણ કે વિકીને મોટી ફિલ્મો મળી રહી છે. કેટરીના સાથે રોમાન્સની વાત ચગી હતી તેના પરથી ય કહી શકાય કે તે હવે મોટો સ્ટાર છે. વિકીની જેમ જ સનીએ નાટકોમાં કામ કરવાથી આરંભ કરેલો પણ તેને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ જેવી ફિલ્મ હજુ મળી નથી. ફિલ્મોમાં તો ચાન્સની વાત હોય છે. જયારે કામ શરૂ કરો ત્યારે ખબર નથી હોતી કે આ ફિલ્મ સફળ જશે. ‘મસાન’ની સફળતાએ વિકીની લાઇફ બદલવા માંડી હતી પણ સની હજુ ચાન્સની રાહ જોઇ રહ્યો છે.

સની કહે છે કે વિકી અભિનય કરે તો કયારેક લાગે છે કે જાણે એ મારા પિતા છે. વિકી અને સનીના પિતા શામ કૌશલ એકશન ડાયરેકટર હતા. પિતાની સલાહ હતી કે મારા પર નહીં તમારી ટેલેન્ટ પર જ ભરોસો રાખજો. મલાડમાં દસ બાય દસની ચાલમાં રહેતા બંને ભાઇઓ અત્યારે જિંદગીના નવા મોડમાં છે. સની કહે છે કે અમે બંને ભાઇઓ ઘણીવાર ઝગડીએ છીએ પણ જો કોઇ મારી સાથે ઝગડે તો વિકી જરા પણ ચલાવી ન લે. સનીદે લાગે છે કે ફિલ્મોમાં પણ અમે સાથે આવ્યા છે
પણ ફિલ્મો જ નકકી કરશે કે અમારા સ્થાન શું છે.

Most Popular

To Top