વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં આવી રહ્યો હોવા છતાં લોકો બહાર આવી રહ્યા છે. ત્યારે રવિવારે પોલીસે વલસાડમાં 43 કેસ કરી, 69 બાઇકો ડિટેઇન કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લોક ડાઉન અંતર્ગત બહાર પડાયેલા જાહેરનામાંના ભંગ બદલ વલસાડ સીટી પોલીસે રવિવારે માર્ગો ઉપર વિના કારણે ફરતા લોકો સામે કાર્યવાહી કરી હતી. જેમાં સીટી પોલીસે 37 બાઈક ડિટેઇન કરી, 23 કેસ કર્યા હતા, જેમાં 11 કેસ ડ્રોનની મદદથી કર્યા હતા, એ જ રીતે રૂરલ પોલીસે 20 કેસ કર્યા હતા, જેમાં 11 કેસ અફવા ફેલાવનાર સામે અને 32 વાહનો ડિટેઇન કર્યા હતા.
પોલીસનું કડક વલણ છતાં પણ અફવા બજાર ગરમ
પોલીસનું કડક વલણ છતાં પણ અફવાઓ અટકતી નથી. શનિવારે રાત્રે પણ અફવાઓનું બજાર ગરમ રહેતા પોલીસ સતત દોડતી રહી હતી, હનુમાન ભાગડા સહિત બે ગામોમાં કેટલાક શંકાસ્પદ લોકો હોવાની અફવાને લઈ લોકો બહાર નીકળી આવતા પોલીસ કાફલો પહોંચ્યો હતો, જો કે અફવા માત્ર સાબિત થઈ હતી. પોલીસે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.