સુરત: (Surat) સુરતમાં 15 વર્ષીય સગીરાએ આપઘાત (Suicide) કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. પાંડેસરામાં રહેતી સગીરાને લગ્ન માટે દબાણ કરાતું હોવાનું સામે આવ્યો છે. સગીરા એક છોકરા સાથે પરિચયમાં હતી અને તે છોકરાની માતા તેના દીકરા સાથે લગ્ન કરી લેવા દબાણ કરતી હોઈ માનસિક ચિંતામાં મુકાયેલી સગીરાએ આપઘાત કરી લીધો છે.
પાંડેસરા ખાતે રહેતી 15 વર્ષીય સગીરાને (Teenage Girl) તેના મિત્ર અને મિત્રની માતાએ ગાર્ડનમાં બોલાવી લગ્ન (Marriage) માટે દબાણ કર્યું હતું. જે વાતને લઈને માનસિક દબાણમાં (Mental pressure) આવીને સગીરાએ વિષપાન (Poisoning) કરી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પાંડેસરા પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.
નવી સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે નેમનગરમાં રહેતી 15 વર્ષીય પ્રિતી (નામ બદલ્યું છે) એ ગઈકાલે સવારે પોતાના ઘરમાં ઉંદર મારવાની દવા ગટગટાવી લીધી હતી. સગીરાને નવી સિવિલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પાંડેસરા પોલીસને જાણ થતા સગીરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડ્યો હતો. બાદમાં પરિવારની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે, ત્રણેક મહિના પહેલા સગીરા પરિવાર સાથે પાંડેસરાની જ્યોતિનગરમાં રહેતી હતી. ત્યારે ત્યાં અંશુમન નામના યુવક સાથે મિત્રતા બંધાઈ હતી. જોકે બાદમાં તેઓ નેમનગરમાં રહેવા આવી ગયા હતા. પોલીસને સગીરાના પિતાએ નિવેદન આપ્યું હતું કે, સગીરાએ ટ્યુશનની ફી ખર્ચ નાખતા તેને આ પગલું ભર્યું હોય તેવી સંભાવના છે. અંશુમન અને તેની માતા પ્રિતીને લગ્ન માટે દબાણ કરતી હતી. પ્રિતીને એક ગાર્ડનમાં બોલાવી અંશુમન અને તેની માતાએ લગ્ન માટે ફરીથી દબાણ કરતા તે માનસિક તણાવમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બાળકીએ તેની માતાને મમ્મી, એક વાત કહું, મારતી નહિ, હું એક છોકરા સાથે વાત કરું છું. હવે એ અને એની માતા મને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હોવાનું કહીને અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે આ અંગે માતાનું નિવેદન લઈ વધારે પૂછપરછ હાથ ધરી છે. વધુમાં પ્રિતી હાલમાં ધોરણ-10 માટેની તૈયારી કરતી હતી. પરંતુ એડમિશન નહીં મળતા હાલમાં કોચિંગ ક્લાસીસમાં જતી હતી. તેને અન્ય એક બહેન અને બે ભાઈઓ છે.