Columns

આવા સંઘરેલા સાપને કયારે – કેવી રીતે કાઢશો…?

હવે તો આ કાઢ..ક્યાં સુધી આ બધું સંઘરી રાખીશ?’ નાનપણથી મમ્મી-પપ્પાથી લઈને મોટા થઈએ સંસાર માંડીએ ત્યાં સુધી પત્ની (કે પછી પતિ!) પાસેથી આપણે બધાએ વારંવાર સાંભળેલું આ સૌથી ચિરપરિચિત વાકય છે. ‘આ બધું…’એટલે બીજાને મન ‘કચરો’ ‘ખોટી સંધરી રાખેલી ચીજ-વસ્તુઓ’પણ આપણે માટે તો એ કામની વસ્તુઓ ભવિષ્યમાં કામ આવશે ઉપયોગમાં આવશે એવો ખજાનો!’ આપણને ખુદને ખબર નથી હોતી કે આ ‘ખજાનો’ક્યારે કામ લાગશે. નિશાળમાં સાંભળેલી-ગોખેલી પેલી કહેવત : ‘સંઘરેલો સાપ પણ કામ લાગે!’ આ ‘સંઘરેલા સાપ’ની કહેવત પાછળ એક બહુ રસપ્રદ કથા છે, જે કદાચ આપણી આજની યુવા પેઢીએ ન પણ સાંભળી હોય. એ કથા કંઈક આવી છે :

ઝીણાભાઈ નામના એક ભાઈ નામ પ્રમાણે જ ઝીણા સ્વભાવના. જે કંઈ ચીજ હોય તેને સાચવી રાખે. કહે ક્યારેક કામ લાગશે અને થતું પણ તેવું. એક દિવસે રસ્તામાં એમણે એક મરેલો સાપ જોયો. લાકડીના એક છેડાથી ઉંચક્યો અને પછી પોતાના છાપરા પર નાખી દીધો. એક પાડોશીએ પૂછ્યું, ‘ઝીણાભાઈ, આ મરેલો સાપ તે શું કામ લાગવાનો .?’
‘ભાઈ, કોઈ ચીજ નકામી નથી. ચપટી ધૂળ પણ ક્યારેક કામ લાગે તેમ સંઘરેલો સાપ પણ ક્યારેક કામ લાગશે…’ઝીણાભાઈએ એમના સ્વભાવ મુજબ જવાબ આપ્યો. આ વાતને દશ-બાર દિવસ પસાર થઈ ગયા. એક દિવસે રાજાની કુંવરી સ્નાન માટે જતાં પહેરલાં અલંકારો કાઢીને એણે મહેલની અગાસીની પાળ પર મૂક્યા ને પોતે પાસેના સ્નાનાગારમાં પ્રવેશી ગઈ.

આ દરમ્યાન આકાશમાં ઉડતી એક સમડીએ પેલાં અલંકારોમાં એક નવલખો હાર જોયો, જે એના પર પડતાં સૂર્યના કિરણોના પ્રકાશથી ઝગમગી રહ્યો હતો. સમડીએ લાગ્યું : ‘નક્કી આ મારો ભક્ષ છે…’આટલું વિચારી હાર પર ત્રાટકીને ચાંચમાં એને પકડી લીધો ને પછી આકાશમાં ઉડી ગઈ. જો કે સમડીને તરત પરખાઈ ગયું કે ચાંચમાં તે જે ચીજને લઈને ઉડી રહી છે તે તેનો ભક્ષ નથી. એ કોઈ બીજી જ વસ્તુ છે એટલે તે નિરાશ થઈ પણ એની નજર પેલા ઝીણાભાઈના ઘરના છાપરા પર પડી. તેણે જોયું તો એક છાપરા પર મરેલો સાપ પડ્યો હતો. નવો ખોરાક મળી જતાં સમડીએ ચાંચમાં પકડેલો પેલો નવલખો હાર છાપરા પર નાંખી મરેલા સર્પને ચાંચમાં લઈ ઉડી ગઈ…

આ બાજુ કુંવરી સ્નાન કરીને અગાસીમાં આવી. ત્યારે પોતાના અલંકારોમાં નવલખો હાર ન જોયો. દાસીને પૂછ્યું. ‘અહીં કોઈ આવ્યું હતું મારો નવલખો હાર ક્યાં ગયો?’ દાસીએ જબાબ આપ્યો : ‘કોઈ નહોતું આવ્યું,પણ એક સમડી ઉડતી ઉડતી અહીં આવી હતી ને પછી કંઈક ચાંચમાં પકડીને પાછી ઉડી ગઈ હતી. ..! ’ વાત રાજા સુધી પહોંચી. આવો કિંમતી હાર એક સમડી લઈ ગઈ એ જાણીને રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે એક સમડી કુંવરીબાનો નવલખો હાર ચાંચમાં પકડી ઉડી ગઈ છે. જેના હાથમાં એ હાર આવે એણે તરત જ રાજાને પરત કરે…

આ ઢંઢેરો પેલા ઝીણાભાઈએ પણ સાંભળ્યો. એમને થયું : જો સમડીએ હાર લીધો હોય તો તેણે તે ક્યાંક જરૂર નાખી દીધો હશે… સમડી પોતાના છાપરા પરથી તો ઉડી નથી ને? એ વિચાર સાથે ઝીણાભાઈ ઝટ દેતાં છાપરા પર ચઢી ગયા. જોયું તો એમણે સંધરેલો સાપ ત્યાં નહતો. ત્યાં હતો કુંવરીનો નવલખો હાર…! ઝીણભાઈએ હાર રાજાને પરત કર્યો. રાજાએ રાજી થઈ મોટુ ઈનામ આપ્યું. એ પછી સંઘરેલો સાપ પણ કેવો કામ લાગે એવી કહેવત ત્યારથી પ્રચલિત થઈ ગઈ…
આમ આપણે પણ જ્યારે ઘરમાં આવા સંઘરેલા સાપની વાત કહીએ કે સામેથી છણકો થાય : ‘પણ તમારો એ સંઘરેલો સાપ કયારે દંશ પણ મારી જાય એ સમજાય છે?’

સમજાય છે તો બધું જ, પણ મન માનતું નથી. મૂળભૂત તો મનુષ્ય માત્ર સંગ્રહને પાત્ર. નાનપણનાં આપણાં લાડકાંનાં રમકડાંથી લઈને રંગબેરંગી કાચની ગોટી-લખોટી તો સમય જતાં આપણા સંગ્રહમાંથી કયારે દૂર થઈ જાય છે એની આપણને ખુદને જાણ નથી હોતી. બીજી તરફ, ગમતાં પુસ્તકો, કોઈ ખાસ પ્રદાન માટે એનાયત થયેલી ટ્રોફીઓ, કોઈ મિત્રએ આપેલી ખાસ ભેટ, સોગાદ કે પછી વિશેષ વ્યક્તિ સાથેની તસવીરો, ઈત્યાદિ આપણા શૉ-કેસમાં ગોઠવાઈ ગઈ હોય છે. એ જ રીતે, અંગત કે વ્યવસાયનાં અગત્ત્યના દસ્તાવેજ આપણે સુરક્ષિત સાચવી રાખીએ ત્યાં સુધી બધું ઠીક, પરંતુ કયારેક આપણા ‘ખજાના’ને અનાયાસ ફંફોસીએ ત્યારે અનેક વસ્તુઓ એવી નજરે પડે કે આપણે ચક્કર ખાઈ જઈએ: ‘આ તે વળી મેં શું કામ સંઘરી રાખ્યું હશે?’એનો જવાબ ખુદ આપણને જ યાદ ન આવે.

તાજેતરમાં અમારા એક પત્રકાર મિત્ર ઘર સ્થાળાંતર કરતી વખતે આવી જ અવઢવમાં અટવાયા: ‘શું રાખવું, શું કાઢી નાખવું? આવા વખતે આપણને બધાને એક નહીં-જિંદગીના અનેક તબક્કે એવું થાય કે ‘એક વાર બેસીને આ બધું જ જોઈ જવું છે અને નકામું બધું જ ફંગોળી દેવું છે..’
અહીં યક્ષપશ્ન છે : ‘પણ કયારે?’
આપણે બધા જાણીએ છીએ કે ન તો આપણી પાસે વધારાની જગ્યા છે કે જ્યાં આપણને ગમતું બધું જ સાચવી રાખીએ કે નથી આપણી પાસે પૂરતો સમય કે બધું જોઈ જઈએ કામનું રાખીએ ને બાકીનું કાઢી નાખીએ
હા, એક તેજાબી ઉપાય પણ છે: બધી સંવેદના-લાગણી બાજુ પર રાખીને આંખ બંધ કરી બધું ફગાવી દઈએ પણ આમાં કોઈ કામની અગત્યની વસ્તુ પણ ભંગાર કે પસ્તીવાળાને એક વાર આપી દીધા ગયા પછી પેલા સ્મશાન જેવું છે ત્યાં એક વાર ગયા પછી ફરી કોઈ પાછું આવતું નથી!

આવા વખતે પેલા શેક્સપિયરવાળા હેમલેટની જેમ ‘ટુ બી ઑર નોટ ટુ બી’જેવી અવઢવમાં અટવાઈ જાવ ત્યારે કેટલાક નિષ્ણાત એવા છે જે મને-તમને માર્ગદર્શન આપી શકે. આમાંના એક અનુભવી કહે છે કે તમારા આ ‘ખજાના’ની બધી ચીજ-વસ્તુ આંખ બંધ કરીને એક સાથે ફગાવી દેવાની ઉતાવળ ન કરો. થોડીક ધીરજ ધરો. આપણે બધા બહુ વ્યસ્ત છીએ તે ખરું, પણ કામની વસ્તુ પસ્તીમાં નાખી દીધા પછી પસ્તાવવાને બદલે શુક્ર-શનિવાર એક-બે રાતના ઉજાગરા ખેંચી કાઢીને પણ અગત્યની વસ્તુને અલગ તારવી લો ખાસ કરીને, જૂનાં દસ્તાવેજ વગેરે. આટલું કર્યા પછી વિચારો: બાકીની ફલાણી-ઢીંકણી વસ્તુઓ કયારે કામ લાગી હતી? બે મહિના-બે વર્ષ-બાર વર્ષ પહેલાં? જે વસ્તુ લાંબાં સમય સુધી કામ ન લાગી હોય એમનાં માટે જગ્યા રોકવાનો અર્થ નથી. એમની વિદાયનો સમય પાકી ગયો છે.

અમારા એક મિત્રએ આના માટે એક મજાનો નિયમ બનાવ્યો છે: ‘20-20’જેવો. ઘણા સમયથી જે વસ્તુ કામ ન આવી હોય અને એ જો તમને આસપાસથી 20 મિનિટમાં 20 રુપિયામાં મળી જતી હોય તો એને ફગાવો ! અહીં 20 મિનિટ કે 20 રુપિયા તો માત્ર દાખલારુપ છે. કહેવાનો અર્થ એ કે તમારી સાચવી રાખેલી પેલી વસ્તુ કિફાયતી દામે – તમને સરળતાથી મળી જતી હોય તો એનો સંગ્રહ નિરર્થક છે. આવું જ આપણાં મનપસંદ પણ જૂનાં વસ્ત્રોનું છે. એને કોઈ સંસ્થાને દાનમાં આપો. એવું જ વંચાયેલાં- ન વંચાયેલાં, ભેટમાં મળેલાં ઢગલાંબંધ પુસ્તકોનું છે. એને પસ્તીમાં નહીં, પુસ્તકાલયમાં આપો. આમ ઘરમાં જગ્યા રોકતી નકામી વસ્તુથી આપણે જ સર્જેલાં પ્રદૂષણથી ઉગરવાનાં હજુ બીજાં અનેક ઉપાય છે, પણ એ વિશે ફરી ક્યારેક ..!

Most Popular

To Top