surat : હીરાઉદ્યોગમાં ( diamond market) તેજીનો આખલો દોડી રહ્યો છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સંપૂર્ણ જેમ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ ગત વર્ષ કરતાં ઓછો રહ્યો હતો. પરંતુ કોરોનાનું વર્ષ હોવા છતાં પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં ( export) 20 ટકાનો વધારો નોંધાયો હતો. એટલે કે 20 બિલિયન ડોલરના પોલિશ્ડ ડાયમંડ એક્સપોર્ટ થતાં રેટિંગ એજન્સી ક્રિસિલે રેટિંગમા સુધારો જાહેર કર્યો છે. યુરોપ અને મિડલ ઇસ્ટના દેશોમાં કોરોનાની ( corona) સ્થિતિ સુધરતાં પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ જોવા મળી છે.
દરમિયાન જીજેઇપીસીએ જે આંકડા જાહેર કર્યા છે તે મુજબ એપ્રિલ 2021માં દેશભરમાં પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 37 ટકા અને લેબગ્રોન પોલિશડ ડાયમંડની નિકાસમાં 307 ટકાનો વધારો જોવા મળ્યો છે. જીજેઈપીસી દ્વારા સુરત રિજયનને એપ્રિલ-2021 માટે આપવામાં આવેલા 2198 કરોડની નિકાસથી 154 ટકા વધુ 3327 કરોડની નિકાસ નોંધાઈ છે, જેમાં ગુજરાત રીજયનમાં 80 ટકા ફાળો સુરત અને 20 ટકા ફાળો સૌરાષ્ટ્રનો છે. દર વર્ષે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા રિજયન પ્રમાણે નિકાસના ટાર્ગેટ સોંપવામાં આવતા હોય છે. આ વર્ષે ગુજરાત રિજયનને 2.62 લાખ કરોડની નિકાસનો ટાર્ગેટ સોંપાયો છે. ગુજરાતને એપ્રિલ માટે અપાયેલા 2198 કરોડનો લક્ષ્યાંક હતો. જેની સામે 154 ટકા વધુ 3327 કરોડની નિકાસ નોંધાઈ છે. જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે, યુરોપીયન દેશોમાં ખૂબ સારી ડિમાન્ડ હોવાથી નિકાસ વધી છે. કોરોનાની બીમારીનું ગ્રહણ પણ હીરાની ચમક ઓછી કરી શક્યું નથી. ઊલટાનું દેશ-વિદેશમાં હીરા અને હીરાના ઝવેરાતની માંગમાં વધારો થતાં હીરાઉદ્યોગે બે વર્ષમાં તેજીની હરણફાળ ભરી છે.
બે વર્ષમાં લેબગ્રોન ડામયંડની આયાતમાં 210 ટકાનો વધારો નોંધાયો
જીજેઈપીસીના રિપોર્ટ અનુસાર પાછલાં બે વર્ષમાં ભારતમાં રફ ડાયમંડની આયાતમાં 18 ટકાનો, તો રફ લેબગ્રોન ડાયમંડની આયાતમાં 210 ટકાનો વધારો જોવા મળ્યો છે, તેની સામે નિકાસ પણ જબરદસ્ત વધી છે. બે વર્ષમાં પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 37 ટકા, પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 307 ટકાનો વધારો જોવા મળ્યો છે. એપ્રિલ-2019થી એપ્રિલ-2021ના બે વર્ષ દરમિયાન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 37.78 ટકાનો સકારાત્મક ઉછાળો જોવા મળ્યો છે. તો પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડમાં તો 307.44 ટકાનો વધારો થયો છે. કલર્ડ જેમ્સ્ટોનમાં 8.46 ટકા, સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીમાં 33.88 ટકા, સિલ્વર જ્વેલરીમાં 250.70 ટકા અને પ્લેટિનિયમ જ્વેલરીમાં 125.72 ટકાનો વધારો જોવા મળ્યો છે. એકમાત્ર પ્લેન ગોલ્ડ જ્વેલરીની માંગ ઘટતા 59.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.