Dakshin Gujarat

એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ બનાવી સોલાર પેનલ ચાર્જીંગ બાયસિકલ, ફૂલ ચાર્જિંગમાં 15 કિલોમીટર ચાલશે

દમણ : સંઘપ્રદેશ દમણની સરકારી પોલિટેક્નિક કોલેજના મેકેનિકલ એન્જિનિયરીંગ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ મટીરીયલ્સમાંથી અનોખી સોલાર પેનલ ચાર્જીંગ બાયસિકલનું નિર્માણ કરાયું છે. જે જોતા ભવિષ્યના ટૂંકાગાળામાં પેટ્રોલ-ડીઝલ સંચાલિત વાહનોની જગ્યાએ સોલારથી ચાલતા વાહનો સ્થાન લેશે.

  • દમણની કોલેજના વિદ્યાર્થીઓએ બનાવેલી સોલાર પેનલ ચાર્જીંગ બાયસિકલ ફૂલ ચાર્જિંગમાં 15 કિલોમીટર ચાલી શકશે
  • ભવિષ્ય – બાયસિકલ 12 વોટની બે બેટરીથી સંચાલિત કરાઈ, 140 વોટ રેટિંગની સોલાર પેનલની મદદથી ચાર્જ થાય છે

દમણની સરકારી પોલિટેક્નિક કોલેજના મેકેનિકલ એન્જિનિયરીંગ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટના ભાગરૂપે વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરી સોલાર પેનલ ચાર્જીંગ સંચાલિત ઇલેક્ટ્રિક સાયકલનું વર્કિંગ મોડેલ વિકસાવ્યું છે. આ બાયસિકલ બે 12 વોટની બેટરીથી સંચાલિત કરાઈ છે. જે 140 વોટ રેટિંગની સોલાર પેનલની મદદથી ચાર્જ થાય છે અને 3 થી 4 કલાકના સમયમાં ફૂલ ચાર્જ થઈ જાય છે.

ફૂલ ચાર્જિંગમાં આ બાયસિકલ 15 કિલો મીટર જેટલું અંતર કાપવામાં સક્ષમ છે. બાયસિકલની સ્પીડ પણ એક સામાન્ય સાયકલની ગતિ જેટલી જ નિર્ધારિત કરવામાં આવી છે. તેમ છતાં જો સ્પીડ વધે તો ઈલેક્ટ્રોનિક થ્રોટલથી તેને નિયંત્રિત કરી શકાય છે. સાથે બ્રેકિંગ માટે પણ મિકેનિકલ ઇલેક્ટ્રીક બ્રેક લગાવામાં આવી છે. જે થકી સાઈકલ તુરંત નિયંત્રણમાં લાવી શકાય છે. બાયસિકલમાં 20 વોટ રેટિંગની એક નાની સોલાર પેનલ પણ બાયસિકલ પાછળ ફીટ કરવામાં આવી છે. જે થકી સાયકલમાં ફીટ કરાયેલી બેટરી સતત ચાર્જ થતી રહે છે. જો સાઈકલની બેટરી કોઈ કારણસર ઉતરી જાય તો સામાન્ય સાયકલના જેમ જ તેને પેડલ મારી ચલાવી શકાય છે.

બાયસિકલમાં એલ.ઈ.ડી. હેડલાઈટ, હોર્ન, બેટરી લેવલ ઈન્ડિકેટર અને સ્વીચ
વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલી સોલાર બાયસિકલમાં એલ.ઈ.ડી. હેડલાઈટ, હોર્ન, બેટરી લેવલ ઈન્ડિકેટર અને એક કી સાર્ટઅપ સ્વીચ પણ આપવામાં આવી છે. સોલાર બાયસિકલનું નિર્માણ કોલેજના પ્રો.ચંદ્રકાંત ટંડેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના ગ્રુપ લીડર ધ્યેય પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી સોલાર બાયસિકલના સફળ પ્રયોગ બાદ કોલેજના એચઓડી- ટી. બાલાગનેસન, ટેક્નિકલ સચિવ નિયામક ડૉ. સુહાસ પાટીલ, કોલેજના આચાર્ય તથા અન્ય સ્ટાફ સભ્યોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે સામાન્ય માણસ માટે મુસાફરીના સાધનો વધુ મોંઘા બની રહ્યા છે. ત્યારે ભવિષ્યના ટૂંકા ગાળામાં પેટ્રોલ-ડીઝલ સંચાલિત વાહનોની જગ્યાએ આ પ્રમાણેના સોલાર સંચાલિત વાહનો જ સ્થાન લેશે એ દિવસો હવે દૂર નથી.

Most Popular

To Top