SURAT

સુરતમાં 12 કલાકમાં રખડતાં કૂતરાં 3 બાળકોને કરડ્યાં, ડરાવનારા CCTV સામે આવ્યા

સુરત: સુરત શહેરમાં થોડા સમય પહેલાં એક બાળકીને રખડું કૂતરાંએ કરડ્યાની (Stray Dog Bite In Surat) ઘટના બની હતી, તેની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં શહેરમાં ફરી એકવાર રખડતાં કૂતરાંઓ દ્વારા બાળકો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. સુરત શહેરમાં માત્ર 12 કલાકના ટૂંકા સમયગાળામાં અલગ અલગ વિસ્તારમાં 3 બાળકો પર રખડું શ્વાન દ્વારા હુમલો કરી બચકાં ભર્યા હોવાની ઘટના બની છે. આ ત્રણ પૈકી એક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેનો વીડિયો વાયરલ થતાં સુરત મનપા હરકતમાં આવી છે. રખડતાં કૂતરાં પર કાબુ મેળવવામાં સુરત મનપાનું તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો બોલતો પુરાવો સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

વીતેલા 12 કલાકમાં સુરતમાં બાળકો પર કૂતરા દ્વારા હુમલાની ત્રણ ઘટના બની છે. તે પૈકી એક ઈટવાળા ચાલ વિસ્તારની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અહીંનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક બાળકી રમી રહી છે ત્યારે રખડું કૂતરો તેની પર હુમલો કરે છે અને બચકાં ભરે છે. જોકે, સ્થાનિક લોકો તરત જ ત્યાં પહોંચી જાય છે અને બાળકીને કૂતરાંના મોંઢામાંથી બચાવી લે છે. બાળકીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે વારંવાર રજૂઆત કરવા છતાં સુરત મનપાનું તંત્ર રખડતાં કૂતરાંઓને પકડીને પાંજરે પુરી રહી નથી. દિવસે દિવસે રખડતાં કૂતરાંઓનો આતંક વધી રહ્યો છે.

ગયા મહિને ફૂલપાડામાં એક બાળકીને કૂતરો કરડ્યો હતો
સુરતના ફૂલપાડા અશ્વિનીકુમાર વિસ્તારમાં બની છે. અહીંની હંસ સોસાયટીમાં રહેતી એક નાની બાળકીને ગાલ પર કૂતરાંએ બચકું ભર્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે એક કૂતરું જઈ રહ્યું છે, તેની પાછળ બાળકી બાળસહજ રમતિયાળ વૃત્તિના પગલે તેની પાછળ દોડે છે, ત્યારે બાળકીને પાછળ દોડતી જોઈ કૂતરો હિંસક બને છે અને તેની પર હુમલો કરી દે છે.

શિકારી કૂતરો બાળકીના મોંઢા પર બચકું ભરે છે અને બાળકીને જમીન પર પાડી દે છે. લગભગ 22 સેકન્ડ સુધી કૂતરો બાળકીને ચૂંથતો રહે છે. બાળકીના રડવાના અવાજના પગલે આસપાસના રહીશો દોડી આવે છે. એક મહિલા કૂતરાની ઝપેટમાં ફસાયેલી બાળકીને બચાવવા દોડી જાય છે, ત્યારે કૂતરો બાળકીને છોડે છે, પરંતુ ત્યાર બાદ ફરી બાળકી અને તે મહિલા પર હુમલાનો પ્રયાસ કરે છે. દરમિયાન અન્ય રહીશો દોડી આવતા કૂતરો ભાગી જાય છે.

Most Popular

To Top