મહારાષ્ટ્રના પુણેને અડીને આવેલા ચાકણ વિસ્તારના કડાચીવાડી ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં કેટલાક રખડતા કૂતરાઓએ નાના બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે માસુમ બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ માસૂમ બાળક તેના ઘરની સામે રોડ કિનારે રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હોવાનું કહેવાય છે. ત્યારે અચાનક કેટલાક રખડતા કૂતરાઓએ બાળક પર હુમલો કર્યો અને તેને ચૂંથવાનું શરૂ કરી દીધું હતું.
આ ઘટના ઘર પાસે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક પોતાના ઘરની બહાર રમી રહ્યો છે. તે કૂતરાઓને પણ જુએ છે અને તેમને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન એક કૂતરો તેની તરફ ઝડપથી દોડતો આવે છે અને તેના પર ત્રાટકે છે. કૂતરાના ધક્કાથી બાળક નીચે પડી જાય છે. ત્યારે 6-7 કૂતરા દોડતા આવે છે અને બાળકને ઘેરી વળે છે. પછી બધાં મળીને બાળકને ચૂંથવા લાગે છે. કૂતરાના હુમલાથી બાળક ચીસો પાડવા લાગે છે અને રડવા લાગે છે.
જ્યારે પરિવારજનોએ બાળકનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ તરત જ બહાર દોડી આવ્યા હતા અને કૂતરાને મારીને ભગાડ્યા હતા. ત્યાં સુધીમાં કૂતરાઓએ બાળકના શરીર પર પંજા મારીને તેને ખરાબ રીતે ઘાયલ કરી દીધો હતો. બાળકના પરિવારજનો બાળકને લઈ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સીસીટીવીમાં કેદ થયેલી આ ભયાનક ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.