નવસારીની (Navsari) યુવતી સાથે વડોદરામાં (Vadodara) થયેલા દુષ્કર્મ બાબતે હવે લોકોમાં રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુજરાત ક્વીન ટ્રેનમાં (Gujarat Queen Train) દુપટ્ટા વડે ફાંસો ખાધેલી યુવતીની લાશ મળ્યા બાદ તેની સાથે ગેંગરેપ (Gang rap) થયો હોવાનો ખૂલાસો થયા બાદ પોલીસ આરોપીઓને પકડવા રાત દિવસ એક કરી રહી છે, ત્યાં બીજી તરફ નવસારીના લોકોમાં યુવતી સાથે થયેલા અત્યાચારના પગલે ભારે રોષ વ્યાપી ગયો છે. લોકો આ યુવતીને ન્યાય મળે તે માટે હવે માંગ કરી રહ્યાં છે. આજે નવસારીના એક શિક્ષકે પોતાના લોહીથી પેઈન્ટીંગ (Blood Painting) બનાવી યુવતીને શ્રદ્ધાંજલિ આપવા સાથે ન્યાયની માંગણી કરી હતી.
છેલ્લાં કેટલાંક સમયથી સમાજમાં દુષ્કર્મ જેવી ઘટનામાં વધારો થઈ રહ્યો છે. એ જોઈ હવે લોકોમાં દુષ્કર્મની ઘટનાઓમાં આકરી સજા ની માંગ ઉઠી છે. વિજલપોરની યુવતી સાથે થયેલા અત્યાચારના વિરોધમાં મંગળવારે નવસારીની સામાજિક સંસ્થા એ વિરોધ નોંધાવી પ્રદર્શન કર્યું હતું. હવે નવસારીમાં રહેતા એક ૨૫ વર્ષીય શિક્ષકે સિમ્બોલિક પેઇન્ટિંગ કરી પોતાના લોહીમાંથી ‘સ્ટોપ રેપ’ લખાણ વાળું એક ચિત્ર બનાવ્યું છે. બળાત્કાર અને દુષ્કર્મની ઘટનાઓ સમાજમાંથી સદંતર બંધ થાય તેવા સાંકેતિક ચિત્ર બનાવીને શુભમ માયાવંશી એ એક અનોખો જાગૃતિ સંદેશ આપ્યો છે. આ ચિત્ર બનાવતા શુભમને એક કલાકનો સમય લાગ્યો હતો અને તેના ૨૦૦ એમ.એલ જેટલું લોહી આ ચિત્રમાં વપરાયું હતું.
ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના ડબ્બામાં દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસને યુવતીની ડાયરી મળી હતી, જેમાં બે અજાણ્યાઓ દ્વારા ગેંગરેપ થયો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. યુવતીની ડાયરીના આધારે વડોદરા, સુરત, રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત અને વડોદરા ખાતેથી પોલીસે બે શકમંદોને ઝડપી પાડ્યા છે. યુવતીને તેની સહેલી સુધી પહોંચવામાં મદદ કરનાર બસ ડ્રાઈવરનું સ્ટેટમેન્ટ લેવાયું છે. 500થી વધુ સીસીટીવી કેમેરા પોલીસે ચેક કર્યા છે, જેમાં વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડની દિવાલ કૂદીને જતાં બે જણાના ફૂટેજ સામે આવ્યા છે, તેને આધારે તે બંનેની શોધખોળ પણ ચલાવવામાં આવી રહી છે.